કીડી
મારું નામ
કીડી.
હું આઠ માળ ચઢી
તો પણ હાંફી નહીં
ને પડી
તો છેક નીચે ગઈ
પણ મરી નહીં.
મારું બળ મારી ગતિ છે
હું ચાલું છું
ધીમી
પણ દોડું છું પૂરપાટ.
મને કોઈ કહે કે માણસ થવું છે ?
તો હું ના પાડું.
માણસ થવાથી
આઠ માળ ચઢીને
હાંફવું પડે છે
અને
પડી જઈને
છેક નીચે જઈ શકાતું નથી
અને
અધવચ્ચે જ અથડાઈ-કુટાઈને મરવું પડે છે.
એથી તો ભલી
હું
કીડી
નાની
ને અમથી.
મારો કોઈને ભાર નહીં,
મને પણ.
~ મનહર મોદી (15.4.1937-2003-23.3.2003)
કવિને સ્મૃતિવંદના
ઉઘાડી રાખજો બારી
દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને,
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુઃખને દળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા,
જરા સત્કર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
~ પ્રભાશંકર પટ્ટણી (15.4.1862 – 16.2.1938)
કવિને સ્મૃતિવંદના

ઉઘાડી રાખજો બારી, બહુ સરસ રચના. ભાવનગરના પ્રભાશંકર પટ્ટણી ( એ જ હશે!) આટલા સારા કવિ હતા એ જાણી વધુ ગર્વ થયો.
સરયૂ પરીખ.
હા જી. ભાવનગરના. આભાર સરયૂબેન
બંને સદ્ગત કવિઓને સ્મૃતિ વંદના.