મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ અમથા અમથા અડયા * Manubhai Trivedi ‘Sarod’

🥀 🥀

*રણઝણ મીણા*

અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.

એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

જનમ જનમ કંઈ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.

~ મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

આસ્વાદઃ દેવિકા ધ્રુવ

‘ગાફિલ’તખલ્લુસથી ગઝલો લખતા જાણીતા ગઝલકાર શ્રી મનુભાઈ ત્રિવેદીનું એક ગીત ‘અમથા અમથા અડ્યા’ વાંચતાની સાથે જ એક અજબનો મીણો ચડે છે. મુખ્યત્ત્વે સંવેદનશીલતા,સાદગી અને આધ્યાત્મિક્તાના રંગોથી ઝબોળાયેલી તેમની ‘સરોદ’ઉપનામી કલમ ગીતોમાં અદભૂત રીતે નીખરે છે.

 ગીતનું શિર્ષક સાવ સાદું અને અમથું અમથું લખ્યા જેવું સરળ સટ્ટ. પણ છતાં એકદમ ઊંડા અર્થથી ભર્યું ભર્યું. કવિ કહે છે કે, ‘અમથા અમથા અડ્યા કે અમને રણઝણ મીણા ચડ્યા.’ પ્રથમ પંક્તિ વાંચતાની સાથે જ એક કુતૂહલ જાગે છે કે, એવું તે શું થયું કે હલાવી નાંખતો મીણો ચડે છે?

પ્રશ્ન દ્વારા થતાં આ કુતૂહલને આગળ વધારતા કવિ વાચકના મનોપ્રદેશમાં એક ચિત્ર ઊભું કરી દે છે. આમ તો તંબૂરાનો ગુણધર્મ વાગવા-બજાવાનો છે પણ આ તંબૂરો તો ખૂણામાં પડી રહેલો હતો. વાગવું તો સૂરીલું, નહિ તો નહિ, એવી એક ખટક લઈને શાંત થઈ પડીરહ્યો હતો. અહીં ‘ખટક’ શબ્દ વિવિધ અર્થો સાથે ખૂબ સૂચકપણે વપરાયો છે. મનમાં એક ખટક હતી,પીડા અને વેદના હતી તો સાથે સાથે  ગાવું/વાગવું તો સૂરમાં જ; એવો એક નિર્ધાર હતો, સચેત ખટકો હતો. તેથી ખરા સૂર વગર, સ્પર્શ વગર, બોલ વગરનો એ તંબૂરો અબોલપણાની પીડા લઈને છાનું રડ્યા કરતો હતો. છતાં એને અચાનક એક રણઝણતો મીણો કેવી રીતે ચડ્યો?

બીજા અંતરામાં એ જ વાતને વળ ચડાવતા કવિ વળી આગળ વર્ણન વધારે છે. કહે છે કે, કંઈ કેટલાંયે જન્મારા વીતી ગયા અને ન જાણે કેટલીયે ખોળો ચડી ને ઊતરી તોયે અમે તો ન જાગ્યા કે ન વાગ્યા. જેમ કોઈ અઘોરી કોઈને પણ નડ્યા વગર એક ખૂણામાં પડી રહે તેમ બસ પડી રહ્યા. અહી બે ચિત્રો આબેહૂબ નજર સામે ઊભા થયા વગર રહેતા નથી. ‘જન્મારો’ અને ‘ખોળ’ દ્વારા આત્મા અને શરીરની આધ્યાત્મિકતાનો નિર્દેશ થાય છે તો અઘોરી જેવા એટલે કે અચેતન અવસ્થાની વાત તરફ પહોંચી જવાય છે. જેને કશુંયે ન સ્પર્શે તેને એકાએક એવું તે શું અડી ગયું એવું આશ્ચર્ય આગળ વધતું રહે છે. ઘોર અંધારે, જંગલમાં, એકલા અટૂલા તપ કરતા, માથા અને દાઢીના લાંબા વાળના ગૂંચળાઓથી વીંટળાયેલા વાલિયા લૂટારાને અચાનક શું થયું કે એ જાગી ગયો!

ક્રમિક રીતે વાતને આગળ વધારતા કવિ હવે ત્રીજા અંતરામાં ઘટસ્ફોટ કરે છે. એ કહે છે કે,

“આ જનમારે ગયા અચાનક અડી કોઈના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –કે અમને રણઝણ મીણા ચડ્યા.”

આમ તંબૂરાના તાર અડતાંની સાથે જ, એક સાચા સ્પર્શથી, એક ખરા સૂરથી એકસામટા,સંચરી રહ્યા. એટલું જ નહિ, તંબૂરાના એક એક તારના નાથ બની બેઠા. શબ્દેશબ્દમાં નરી અનુભૂતિની તીવ્રતમ સચ્ચાઈ છે, આનંદોર્મિનો આવિષ્કાર છે, પ્રસન્ન્તા અપરંપાર છે, સમર્પિત ભાવનો નશો છે અને એનો જ તો આ રણઝણતો મીણો છે! વાહ..વાહ બોલી જવાય એવી તો આ ભક્તિની પરાકષ્ઠા છે. આવો સ્પર્શ દૂન્યવી તો ન જ હોય ને!! એ તો પરમનો આવિર્ભાવ છે. તેથી જ તો ‘સરોદ’ ગૂંજી ઉઠે છે એવા બુલંદ,બેધડક નારાથી કે,

“હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું; સુરાવલી લઈ કરી રહ્યું છે સાંવરનું સામૈયું…”

કારણ કે, જેને જુગજુગથી ઝંખ્યા હતા તેવા સ્વામી જડી ગયા, અડી ગયા. એટલું જ નહિ જગાડીને સૂરમય વગાડી  ગયા. એનું તો સામૈયું જ કરવાનું હોય ને? કવિતાને અંતે કુતૂહલ સઘળાં શમી ગયા છે,પ્રશ્નો બધા ઉકલી ગયા છે અને અપાર શાંતિભર્યો  સાચો મીણો રણઝણી ઉઠ્યો છે. પરમનો સ્પર્શ થાય તો કેવો નશો ચડે તેનું આ સુંદર દ્રષ્ટાંત છે.

તન અને મનને ડોલાવી નાંખતું આ અદ્ભૂત ભક્તિગીત એ જ રીતે સ્વરબદ્ધ પણ થયેલ છે. સાદગી અને સરળતા, સંવેદના અને ગહનતાના રસાયણથી ભરીભરી આ કવિતા કાવ્યત્ત્વના ઊંચા શિખરે બિરાજમાન છે.

કવિ શ્રી મનુભાઈ ત્રિવેદીની નીતરતી ભક્તિની આ રીત યાદ અપાવે છે કે,

“જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા, છે સૂરો જુદેરા રિયાઝે – રિયાઝે.”

~ દેવિકા ધ્રુવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ ~ અમથા અમથા અડયા * Manubhai Trivedi ‘Sarod’”

  1. રણઝણ મીણા ચડ્યાની વાત કવિને થયેલા પરમના સ્પર્ષની અનુભૂતિ દર્શાવે છે.

Scroll to Top