
સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું
ને ફરી જોયું તો બાળપણું ગુમ,
આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી ફેંદી કાઢ્યા બધા રૂમ……
ઢીંગલીની આંખો મેં સાત વાર ખોલી
ને પાંચીકા ખખડાવી લીધા,
જે જે જગ્યાએ હું સંતાતી ત્યાંય મેં
સાદ જો ને કેટલાય દીધા!
ચૌદે ભાષામાં બોલાવી જોયું, વ્હેર આર યુ કહાં ગયે તુમ?………
આંધળિયો પાટો તો રમશે કદાચ
ને આવશે કે કરી દઈશ થપ્પો
રોકી પાડીશ એને ચીતરવા ઘર અને
હોડી ને દડો ગોળગપ્પો
હોળીમાં ફુગ્ગા ને દિવાળી આવતાં શું ફોડીશ લવિંગયા કે લૂમ……
સોનાની ચરકલડી ઊડી ગઈ દૂર
ને ભમરડો ભમવાનું ભૂલ્યો,
મોટેથી સાદ મેં જે દીધો આકાશે
તે વાદળનાં ઝૂલણામાં ઝૂલ્યો.
સોનપરી, નીલપરી આવી કહે બાય’ એનું પડઘાતું રૂમઝૂમ રૂમઝૂમ….
~ મનોજ્ઞા દેસાઈ
બાળપણું જવાની ઘટનાનું હળવું ગીત…
25.5.1958માં જન્મેલા મુંબઈના આ કવિ વ્યવસાયે સ્પીચ થેરેપિસ્ટ હતાં. ‘ભીતર કંઈક સમંદર’ એમનો કાવ્યસંગ્રહ છે.

Lovely poem Rhyming very well .
બાળપણ જવાનુ ગીત ખુબ ગમ્યું બાળપણ મોહમયી નગરી નુહોય કે પછી ગિર ના કોઈ નેસડા નુ હોય બાળપણ તે બાળપણ છે ખુબ ખુબ અભિનંદન સરસ ગીત
શૈશવ સ્મૃતિનું લયમધુર ગીત
સરસ ગીત. પાંચીકા,હાથતાળી,થપ્પો જેવી ઘણી બધીજ વિસરાતી રમતોને નાનપણ સાથે જોડીને કવયિત્રીએ સરસ કામ પાર પાડ્યું છે. સોનાની ચરકલડી ને ભમરડાનું પ્રતીક પણ સરસ પ્રયોજાયુ છે.
બાળપણ જવાનુ ગીત ખુબ ગમ્યું