મનોજ ખંડેરિયા ~ આપણી જુદાઈનું & આ બધી * Manoj Khanderia

આપણી જુદાઈ

આપણી જુદાઈનું આ ભમ્મરિયું વ્હેણ
મને કોણ જાણે ક્યાંય જશે તાણી

ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન ફૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કોળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી

જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પત્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
ધેનુની આંખનું હું પાણી

~ મનોજ ખંડેરિયા

અર્થ શો ?

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

~ મનોજ ખંડેરિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “મનોજ ખંડેરિયા ~ આપણી જુદાઈનું & આ બધી * Manoj Khanderia”

  1. Pingback: 🍀1 જુલાઇ અંક 3-1199🍀 - Kavyavishva.com

  2. ગીતમાં અહલ્યાનો ને કદંબના ઝાડ નીચે બેઠેલી ગાય નો સંદર્ભ સાર્થક બન્યો છે
    ગઝલ પણ સરસ છે.

  3. બંને રચનાઓ સુંદર.
    “એકલી કદંબ હેઠ બેઠેલી સૂનમૂન
    ધેનુની આંખનું હું પાણી… ”
    સરયૂ પરીખ.

Scroll to Top