મનોજ ખંડેરિયા ~ ક્ષિતિજે ઘાસ જેવી * Manoj Khanderiya

અમને દોડાવ્યા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું, એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

~ મનોજ ખંડેરિયા

ઇચ્છાના હરણોની દોડ કવિતામાં વ્યક્ત કરવાથી કયો કવિ બચી શક્યો છે ? પણ ચોથા શેરમાં આટલી સરસ રીતે કાલિદાસનો સંદર્ભ ટાંકી આપનાર કવિ મનોજ ખંડેરિયાને આજે એમના જન્મદિને સ્મૃતિવંદન.

OP 6.7.22

***

સાજ મેવાડા

06-07-2022

રામગિરિ શબ્દથી મેઘદૂત યાદ આવી ગયું. ખૂબજ સરસ ન પૂરી થતી એષ્ણાઓની અભિવ્યક્તી.

છબીલભાઈ ત્રિવેદી

06-07-2022

વાહ અદભુત વાત કવિ શ્રી એ કાવ્ય મા કરી કાલિદાસ નો સંદર્ભ કવિતા ને ઉંચાઇ પર લઇ જાય છે કવિ ના જન્મદિને પ્રણામ આભાર લતાબેન આવી રચના ઓ આપવા બદલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top