મનોજ ખંડેરિયા ~ સૂર્યને પીધા કરે & સુંવાળા શ્વેત છળમાંથી * Manoj Khanderia * Amar Bhatt

સૂરજમુખી

સૂર્યને પીધા કરે સૂરજમુખી
ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી.    

પાથરીને પાંખડીઓ મખમલી,
તેજનું સ્વાગત કરે સૂરજમુખી.  

ઝંખના તારા તરફ ફરતી રહે,
આંસુઓમાં તરવરે સૂરજમુખી

‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’
રાત આખી કરગરે સૂરજમુખી

પાંખડીનો ધોધ સોનેરી વહે,
કાળને ભીંજ્યા કરે સૂરજમુખી.

આ ઉદાસી મારી જૂઈ-ફૂલ શી,
આ વ્યથા જાણે અરે, સૂરજમુખી.

~ મનોજ ખંડેરિયા

6.7.1943 – 27.10.2003)

જન્મદિને કવિને સ્મૃતિવંદના

અમે નીકળી નથી શકતા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા,
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા.

સદીઓથી શિલાલેખોના અણઊકલ્યા છીએ અર્થો,
તૂટ્યા અક્ષરની તળમાંથી અમે નીકળી નથી શકતા.

નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ,
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા.

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો,
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા.

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ,
પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા.

~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)

જન્મદિને કવિને સ્મૃતિવંદના

સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “મનોજ ખંડેરિયા ~ સૂર્યને પીધા કરે & સુંવાળા શ્વેત છળમાંથી * Manoj Khanderia * Amar Bhatt”

  1. Pingback: 🍀6 જુલાઇ અંક 3-1204🍀 - Kavyavishva.com

  2. કવિની રચના ને સ્વરાંકન બંને મજાનાં.

  3. ખૂબ જ સરસ કાવ્ય, ગઝલ છે. આદરણીય કવિશ્રી મનોજ ખંડેરિયાને સ્મરણાંજલિ. ખૂબ જ સરસ સ્વરાંકન.

Scroll to Top