ઊડી ઊડી એક ચરકલડી ઊડી ~ મનોહર ત્રિવેદી
ઊડી ઊડી એક ચરકલડી ઊડી
ને પછવાડે ઉડયું આ આંગણું
એના હરિયાળા આ પગલાની ભાતે તો
આજ લગી રાખ્યું રળિયામણું….
સીમેથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોં સૂઝણે
કોઈ સવાર એના કલરવમાં ન્હાય કદી
ઘરને ઘેર્યું ‘તું એના રૂસણે,
દિવસો તો ઊગે ને ઝાંખા થઈ જાય
પડે ઝાંખું ન એકે સંભારણું …. ઊડી ઊડી
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિયાવેળા છે દીકરી
કે વ્હેતીયાણ ઝરણાનો આરો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં
સૂનું ઝૂરે છે એક બારણું…. ઊડી ઉડી
~ મનોહર ત્રિવેદી
વ્હાલી દીકરીની વિદાયનું ગીત કેવું હોય ? અને એય મીઠા સૂરે ગવાય ત્યારે … કોઈ શબ્દો વચ્ચે લવાય નહીં….
સાંભળો ઉમા પરમારના સ્વરમાં
‘ધ્રુવગીત’ અને નીલા ફિલ્મ પ્રોડકશનના સૌજન્યથી
OP 4.4.22
કાવ્ય : મનોહર ત્રિવેદી સ્વર : ઉમા પરમાર સ્વરકાર : અનંત વ્યાસ સંગીત : ભરત પટેલ
***
સાજ મેવાડા
04-04-2022
ઘણાં દીકરી વિષે લખાયાં છે, એમાં ચરકલડી અને દીકરીને સાથે મૂકી કવિએ કમાલ કરી છે.
