

🥀 🥀
*ક્યાંક હોય છે*
ક્યાંક હોય છે કૂડોકચરો ક્યાંક સરોવર રૂડાં
કહે મનોહર, એની ચર્ચા માંડે હરખપદૂડા!
ખેતરની હરિયાળી વચ્ચે પગ લંબાવે રણ
જાણે તોપણ એકબીજાને પૂછે સૌ કારણ
મધુમાલતી મંડપ નીચે ઉઝરવા દે થૉર
કરે ઉજવણી સુંદરતાની બેઉ મળી ચહુ ઓર
ઊંચે જાતાં દિશાદિશામાં ખગ ફેલાવે પાંખ
નહીં આભની રોકટોક શ્રાવણ હો કે વૈશાખ
મળે હોઠ પર હાસ્ય: બાઝતાં કોઈ પાંપણે ટીપાં
ઓછું—વત્તું મળ્યું બધાને, આંખ માંડ માલીપા
કદી સાધુનો મળ્યો છે ધૂણો કદી સીમની લહેર
કહે મનોહર, એ બે વચ્ચે જરી ન દીઠો ફેર.
~ મનોહર ત્રિવેદી
ગયા વર્ષે જ પ્રકાશિત થયેલા કવિ મનોહર ત્રિવેદીનો કાવ્યસંગ્રહ ‘કહો કે ના કહો’ જરા જુદી ભાત લઈને આવે છે. નોખી નિરાળી કવિતાઓ આપનાર આ કવિએ કાવ્યસંગ્રહના સાત ભાગ પાડ્યા છે.
‘એક પાંદડું સર્યું ડાળથી લહરોના હડદોલે / તમે કહો છો : દાસ મનોહર કેમ કશું ના બોલે ?’ – ‘કરી હાથનું ભાઈ નેજવું’ દાસ મનોહર પૂરી છ કવિતામાં બોલે છે.
‘લાવ થોડું અજવાળું ઉપજાવી લઈએ આ રાતમાં’ શબ્દોથી બીજા ભાગમાં કવિ ભાવકને પૂરા સાત ગદ્યપર્ણ ધરે છે.
સતીશચંદ્ર વ્યાસના બાઉલ ગીતો યાદ કરીને ત્રીજા ભાગમાં કવિ ચાર બાઉલગીતોની ભેટ ધરે છે.
પછી શરૂ થાય છે પૂરા 29 ગીતોનો ગુચ્છ + અને 37 ગઝલોનો ગુચ્છ !
મોરારિબાપુ અને માધવ રામાનુજ જેવા મિત્રોથી માંડીને સંગીતજ્ઞ ભરત પટેલને આવરી લઈ, બાઉલ ગીતો વાળા સતીશચંદ્ર વ્યાસ સુધી કુલ આઠ મિત્રો માટે છઠ્ઠા ભાગમાં કવિ મિત્રોપનિષદ રચે છે.
અને અછાંદસ કે લઘુકાવ્યોને શ માટે બાકી રાખવા ? છેલ્લા વિભાગમાં કવિ એને પણ નિરાંતે કાગળે ધરે છે.
‘કાવ્યવિશ્વ’ પર સ્નેહે સ્વાગત છે કાવ્યસંગ્રહ
કહો ન કહો * મનોહર ત્રિવેદી * ઝેન ઓપસ 2023
વાહ, કવિ શ્રી ની નોંધ લેવી પડે એવા કાવ્યો હશે.
ખૂબ જાણીતા, મોટા ગજાના કવિ છે.
પ્રિય બહેન,
કહો કે ના કહો – નો લાઘવપૂર્ણ પરિચય. કોરેમોરે તમારો સ્નેહ. દરેક વિભાગનો યથોચિત નિર્દેશ.
આનંદ અને વંદન મનોહરભાઈ.
વાહ, સરસ રચનાઓ 👌👌👌
કવિના કાવ્ય પરિતયથી વાચક વર્ગ વાચવા પ્રેરાશે.
સાચું મીનળબેન
એક અલગ કાવ્યતત્વ..ખૂબ સરસ રચના
આવકાર સહ અભિનંદન…
સરસ કાવ્યસંગ્રહ હશે.
મારા પુસ્તક ” ઉડાન” નું વિમોચન એમના
હસ્તે થયેલું એનો આનંદ છે.
વાહ
ગમતા કવિને શુભેચ્છાઓ