પગ મૂકું ત્યાં પથ
વાયરો આવી અટક્યો સામે લૈ પોતાનો રથ….
ઝાડવાં એની ડાળ હલાવી, નિત કરે સ્વાગત
ક્યાંય રોકાવું પાલવે નહીં, હોય જે અભ્યાગત
સ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથ
પગ મૂકું ત્યાં પથ.
હોત અરે, પાષાણ તો પડ્યો હોત ત્યાં પડ્યો હોત
ધરતીથી નભ ઊડવા જેવું, ધૂળપણું પણ ખોત
મેઘને આપે નોતરું એ તો હોંશથી હથોહથ
પગ મૂકું ત્યાં પથ.
ત્રણમાં વેઠયા તડકા, ચોથે પોર ઘેરે અંધાર
સીમ વચોવચ ઝળકયાં ત્યાં તો કોઈ દેરીના દ્વાર
કેડીને અજવાળતી મા-ના નાકની રૂડી નથ-
પગ મૂકું ત્યાં પથ.
~ મનોહર ત્રિવેદી
(‘ચરણ રુકે ત્યાં કાશી’ના કવિ હરીન્દ્ર દવેને સમર્પિત)
કવિ મનોહર ત્રિવેદીનું એક નવું નક્કોર તાજું ગીત. રણઝણ ઝરણાંની જેમ વહયે જતાં સંખ્યાબંધ ગીતો કવિએ આપ્યાં છે. ન ભાવમાં, ન શબ્દોમાં, ન પ્રાસ રચનામાં ; ક્યાંય આયાસ ન લાગે એવાં ગીત….
આ ગીતના દરેક અંતરામાં એક ગહન સત્ય અને એને હવાની લહેરખી જેવી હળવાશમાં વીંટીને નિરૂપવાની કવિતાકલાને સલામ કરવી પડે ! જુઓ, ‘ધરતીથી નભ ઊડવા જેવું, ધૂળપણું પણ ખોત’ કે પછી ‘સ્હેજ કાંઠાને અડકે નદી : અડકે ત્યાં તીરથ’ – વાંચતાં ભાવવિભોર બની જવાય ! તો ‘હથોહથ’ શબ્દ એટલો વ્હાલો લાગે છે કે એના પછી આવતા ‘પથ’નો અંત્યાનુપ્રાસ સ્હેજ પણ મથ્યા વિના આરપાર પ્રસરી જાય છે. આ વાત આખાયે ગીતની પ્રાસયોજનાને લાગુ પડે. (અહી ‘યોજના’ શબ્દ પણ કઠે છે)
અત્યંત સહજતાથી વહી જતું આ ગીત છેલ્લા અંતરામાં જીવનની કઠોરતા હળવેકથી રજૂ કરે છે પણ બસ એક જ પંક્તિ. પછી તરત મા-ના નાકની રૂડી નથ – કહી એટલી જ નમણાશથી સંપન્ન થઈ જાય છે !
4.4.21
