સમજી લીધી
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.
દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.
દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.
કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.
એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન ‘મરીઝ’,
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.
~ મરીઝ (22.2.1917- 19.10.1983)
ગુજરાતના ગાલિબ ગણાતા મરીઝસાહેબનો જન્મદિવસ આજે જન્મદિવસ. એક એક શેર જાણે એક એક મોતી… એટલે જ મરીઝ આજે પણ લોકહૃદયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.
આજે આ ગઝલનું ગાયન પણ સાંભળો અમર ભટ્ટના સ્વરમાં (આલબમ ‘કોશિશ’)
OP 22.2.22
કાવ્ય : મરીઝ સંગીત અને સ્વર : અમર ભટ્ટ
***
છબીલભાઈ ત્રિવેદી
23-02-2022
મરીજ ની રચના ખુબ ગમી આજે તેમની રચના દ્રારા સમયોચિત યાદી વંદન
સાજ મેવાડા
22-02-2022
આ ગીતની ફીલોસોફી મને ખૂબ જ ગમે છે. મેં મારી રીતે એને સ્વરાંકન કર્યું છે.
Varij Luhar
22-02-2022
વાહ વાહ..મરીઝ સાહેબની સુંદર ગઝલને ખૂબ જ ભાવપૂર્વક સ્વરબદ્ધ
કરી..