🥀🥀
*દૂરથી ધસી આવતો શબ્દ*
ક્યાંય પણ હલાહલની નદી વહેતી હોય તો બતાવો. તેનાં તીર્થોદકમાં હાડકાં બોળી પવિત્ર બનું. ઝેરની એક પ્યાલી ગટગટાવી મમ્મોચચ્ચો સંભળાવું. કેવો જામ્યો છે કોલાહલ, હાલાહલ, સંભળાય નહિ શબ્દો કેવળ આંખ અને દૃશ્યો.
આસમાનીસુલતાની વખતે છુપાઈ જવા માટે જોઈશે ગુહા ઍરકન્ડિશન્ડ અને ભીંત પર કોતરેલા ચંદ્રનો પ્રકાશ. ચામડીમાં પુરાયેલા માણસને બહાર કાઢવા—કોઈ બહાર કાઢવાનું નથી. તો પછી અંદર કેમ ન થાય આતશબાજી ભર્યાભાદર્યા શબ્દવિસ્ફોટોની ! તમે તો લોહમૂર્તિ છો, અરે મૂર્તિ પણ નહીં લોહપિંડ કેવળ. કેટલાં છીંડાં રાખ્યાં છે પાછલી વાડે? તોંતેર સાંકળિયો પીર જો ભેટી જાય તો પીઠ ધરી દેજો, અને હવામાં ઝૂલતા પક્ષી વિશે લખો તો ધ્રૂજતા હાથને માણેક મઢી દેજો.—
અલ્લેલટપ્પુની જેમ ફદફદ કરવાથી પિપ્પીલિકા વૃંદ રિસાઈ જઈ ફાગ ગાશે તાલી દઈ દઈ. તમારી આંખમાંથી ઊભરાતા મંકોડાનું દૃશ્ય ચંગીઝખાનની લડાઈને ઝાંખી પાડશે? ક્યાંય પણ હલાહલની સરિતા વહેતી હોય તો બતાવો ફફડાટ પાંખોનો. પૃથ્વીના એક બિંદુનું મહત્ત્વ કંઈ ઓછું નથી, પણ તમામ બિંદુઓની સમુચિત પૃથ્વીય મહત્ત્વની છે.
બધાં ટેબલો પર એક માખી બણબણ કરતી હોય છે અને દૂરથી ધસી આવતો શબ્દ સાંભળી શકાતો નથી.
~ મહેશ બાલાશંકર દવે (1.8.1935
કાવ્યસંગ્રહ ‘બીજો સૂર્ય’
આ ગદ્યકાવ્ય સમજવાનું કવિ પર જ છોડવું પડે.
આપનો અભિપ્રાય સાચો લાગે છે, મોટા ભાગે આવાં ગદ્ય કાવ્યો હું સમજી શકતો નથી. અને જે સામાન્ય માનવી ને ના સમજાય એવું લખવાનો શો અર્થ? વિવેચકો, પ્રાધ્યાપકો, સાહિત્યિકારો માટે કદાચ એવું લખાતું હશે?