મહેશ શાહ ~ ગોકુળિયું ગામ

ગોકુળિયું ગામ યાદ આવશે ~ મહેશ શાહ

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને કેમ કરી તમને એ ફાવશે,

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે?

કેવું બપોર તમે વાંસળીના સૂરમહીં વાયરાની જેમ હતા ઠારતા,

પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પડે પાદરની વાટને મઠારતા.

મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ, હવે સોનાનો ભાર એવો લાગશે,

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા ને ક્યાંક વળી કરતા ઉદારતા,

ગોવર્ધન જીતવા છતાંય એક રાધાની પાસે અનાયાસે હારતા.

રાજતણી રમતોમાં નહીં ચાલે હારીને, જીતવાનું ઠેરઠેર આવશે,

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

ગોપીઓના ગોરસની ગાગરને તાકતા ને ગામ બધે ગોફણ ગજાવતા,

ગમતું તોફાન આમ ઉરમાં જગાવતા ને આમ તમે લગની લગાવતા.

છલકાતી લાગણીઓનાં રૈ જાશે માપ અને તોલવાનું તલતલથી આવશે,

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે!

મહેશ શાહ

કવિશ્રી મહેશ શાહે આપણી વચ્ચેથી તા.2 માર્ચ 2022ના રોજ ચિરવિદાય લીધી છે.

🙏 ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે 🙏

OP 4.3.22

***

સાજ મેવાડા

04-03-2022

પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે. સરસ ગીત, યાદ આવશે.

છબીલભાઈ ત્રિવેદી

04-03-2022

કવિ મહેશ શાહ ની ચેતના ને પ્રણામ, જયારે ગોકુળયુ ગામ યાદ આવશે ખુબ સરસ કાવ્ય કૃષ્ણ કાવ્યો ઘણા લખાયા તેમાનુ સરસ કાવ્ય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top