
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ કૉલમ 440 > 13.6.23
જાગતા જોવાય નૈ ને ઉંઘતાં રે’વાય નૈ
જામ આ પીવાય નૈ ને તલબ આ વેઠાય નૈ
ઘાવ નૈ એ ઉઝરડો છે લેશ ના પંપાળ તું
ઠેસ એવી તો નથી કે દોડતા રે’વાય નૈ
આભ જેવા થૈ અસંગી મોકળાશે જીવવું
બે ઘડીનો ડાયરો કૈં કાયમી કે’વાય નૈ
ઊગશે ભીતર સુરજ આકાશ થૈ વિસ્તર જરા
તેજ ક્યાંથી લાધશે સાદ્યંત જો હોમાય નૈ
ઓગળીને ઊગવું છે બીજની ફિતરત અહીં
જાત ઓવારે નહીં એ લાગણી કે’વાય નૈ ~ માધવી ભટ્ટ
દુવિધા – લતા હિરાણી
કવિતાનું આકર્ષણ એવું છે કે જેને કવિતામાં રસ હોય એના મનમાં સપનું તો ઉછર્યા જ કરે, કવિ થવાનું! અનેક જાણીતા વાર્તાકારો, વિવેચકો વિશે વાંચ્યું છે કે શરૂઆત એમણે કવિતાથી કરેલી. પછી કદાચ જામ્યું નહીં અને ફંટાઈ ગયા. કવિ થવું એટલું સહેલું નથી. સાહિત્યનું આ લલચામણું અને છેતરામણું સ્વરૂપ છે. દૂરથી લાગે કે હાથમાં આવશે, જેમ જેમ નજીક જઈએ અને એ દૂર જતું જાય!
એક સમય હતો કે સાહિત્યમાં બહેનો બહુ ઓછી હતી. હવે સારી એવી સંખ્યામાં બહેનો કલમ લઈ પ્રવૃત્ત છે. પહેલા શેરમાં કેવી દુવિધા ચિત્રિત થઈ છે! આમ જુઓ તો માનવીનું આખું જીવન દુવિધામાં જ પસાર થાય છે. આ કરવું કે પેલું? પ્રશ્નોથી જ જીવન પ્રવાસ પૂરો થાય છે. જેમને જેટલા વહેલા જવાબો મળી જાય છે એ એટલા જલ્દી સફળતા પામે છે. અલબત્ત જીવનના રસ્તા રફ જ હોય, પ્રવાસ પડકાર લઈને જ આવે, તોય મનમાં ઉઠતાં પ્રશ્નોનાં જવાબો સહેલા હોય છે. એક, મનને નિયંત્રણમાં રાખવું અને બીજું દુવિધા છોડી ધ્યેય સામે નજર રાખવી. બસ પછી બબાલો ખતમ.
આમાં બીજો સવાલ એય ખરો કે ધ્યેય દેખાય કેટલાને? ધ્યેયલક્ષી દૃષ્ટિ કેટલા પાસે? ચલો, આ બહુ લાંબો વિષય થઈ જાય…
#divyabhaskar
#kavyasetu

ખુબ સરસ કાવ્ય અને આસ્વાદ પણ અેટલોજ માણવા લાયક રહ્ર્યો
વાહ સરસ..આસ્વાદ.
જીવનનાં વિધેયાત્મક વિચારો ધરાવતી કવયિત્રીને અભિનંદન
વાહ, અદ્ભૂત કાવ્ય. આપની આસ્વાદીક નોંધ ખૂબ સરસ.
સંવેદનાઓ જીલાઇ એનો આનંદ
બીજની ફિતરત જેવું….વિકટ પરિસ્થિતિ ને વળોટી… વિસ્તરવાની પ્રેરણા આપતી રચના👌👌👌
મારી રચનાનું રસદર્શન કરાવવા માટે આપ ની આભારી છું લતાબેન🙏
આનંદ વહેંચું છું માધવીબેન.
આભારી છું ભરતભાઈ, મેવાડાજી, મીનલબેન, ઉમેશભાઈ, છબીલભાઈ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌની.