સૈયર
સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?
કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?
કૂવાને કાંઠે કઈ ઘડીયે રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?
~ માધવ રામાનુજ
ગીતોમાં આ કવિ ખૂબ ખીલે છે. છૂંદણાં, વરત, પીપળો અને કૂવા જેવા પ્રતિકોથી આંખ સામે એક ઉમંગથી છલકાતી ગ્રામ્ય કન્યાને તાદ્ર્શ્ય થતી જાય છે અને જકડી રાખે એવા લયમાં ગીત વહેતું જાય છે. કાચી કુંવારી કન્યાના શમણાંની છાલકથી આખું ગીત તરબોળ થયેલું છે.
પ્રેમમાં પડવાનાં કોઇ કારણ નથી હોતાં અને એમ જ, પ્રેમમાં પડ્યા પછીના કોઇ વારણ નથી હોતા. એ પછીના સઘળાં વાણી-વર્તન કોઇ જુદી જ દુનિયાના હોય છે.. શબ્દો ભલેને એના એ જ પણ એના અર્થો બદલાઇ જાય છે. એને રોજબરોજની જિંદગી સાથે કંઇ લેવા દેવા નથી હોતી.. કૂવાને કાંઠે વાતો કેટલીયે થાય પણ અધૂરી જ રહી જાય છે અને રાતે તારલા બધા મીટ માંડીને એના ઉજાગરાની સાખ પૂરે છે. પ્રેમની આ કેવી મજાની અવસ્થા છે !!
પ્રણયની નરી કુમાશ અને ગજબની મીઠાશથી તરબતર આ ગીત ભાવકનેય એટલું જ સરાબોર કરી દે છે. આ કવિનાં આવાં કેટલાંયે સદાબહાર ગીતોથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીત ભર્યું ભર્યું છે.
કાવ્યસેતુ 70 > દિવ્ય ભાસ્કર > 22.1.2013 (ટૂંકાવીને)
કાવ્ય : માધવ રામાનુજ * સ્વર : દિપાલી સોમૈયા અને સાધના સરગમ * સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી

વાહ ખુબ સરસ ગીત કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન
Nice
ખરેખર આવા ગીતો સાંભળીને મન રસ તરબોળ થાય જ. પણ આવી લાગણી નવા ગીતોમાં બહું ઓછી જોવા મળે છે. લાગે છે પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે,
માધવભાઈનું ગીત હંમેશની જેમ એક નોખી ભાત ઉપસાવે છે. મનને તરબતર કરે છે આ ગીત.
વાહ સુંદર ગીત આનંદ આનંદ હાર્દિક અભિનંદન કવિશ્રીને
માધવ રામાનુજજીનું આ ગીત ખૂબ જ પ્રિય છે. સંભળવું પણ ખૂબ ગમે છે.