મીનાક્ષી કૈલાસ પંડિત ~ મારી દીકરી

મારી દીકરી મને બહુ ગમે છે
નાની અમસ્તી, બોલતી, રમતી
ફોટા જેવી ઢીંગલી
દોડતાં દોડતાં પડી જાય છે ત્યારે
ફૂલનાં ઢગલા જેવી લાગે છે
કાંઈ પણ ખવડાવો તો એ
ડ્રેસ ઉપર જરૂર નાખે છે,
તોય એ ગંદા થતાં જ નથી!
એ ખિલખિલાટ હસે છે ત્યારે
ખોબલો ધરી હાસ્ય ભેગું કરી
પર્સમાં મૂકી દઉં છું હું
પછી આખો દિવસ એ પર્સ ખોલી
દીકરીના હાસ્યથી
મારા ચહેરાને ભર્યા કરું છું.
દીકરી મોટી થઇ જશે ત્યારે ?

~ મીનાક્ષી કૈલાસ પંડિત

મીનાક્ષી પંડિતના આ કાવ્યમાં નાનકડી દીકરી વિશે એક ભરી ભરી સંવેદના પથરાઇ છે. આ સંવેદના કોમળ છે, રણઝણતી છે, મહેકથી છલકાય છે અને એક પ્રશ્નથી છેવટે અનુત્તરમાં એનું સમાપન થાય છે..

આખુંયે કાવ્ય બાળપણના માધુર્યથી ભરપૂર છે. બાળવિશ્વની સુંદરતામાં ભાવકને ડુબાડે છે. હાસ્યને પર્સમાં ભરી આખો દિવસ ચહેરા પર લીંપવાની નાનકડી વાતથી એમાં કાવ્યતત્વનું મજાનું આરોપણ થઇ જાય છે. પરંતુ છેલ્લી પંક્તિ ‘દીકરી મોટી થશે ત્યારે ?’ એ એક માની સહજ અભિવ્યક્તિ હોવા છતાં એ જુદો વિષય બની જાય છે અને કાવ્યને કાવ્યપ્રવાહથી દૂર લઇ જાય છે. આખુંયે કાવ્ય જે રસમાં તરબોળ છે એના કરતાં સાવ જુદી જ વાત અને એય છેલ્લી એક જ પંક્તિ રૂપે મૂકવાને બદલે કવયિત્રીએ ‘દીકરીના હાસ્યથી મારા ચહેરાને ભર્યા કરું છું.’ આટલું કહીને સમાપ્તિ કરી હોત તો કાવ્યને વધુ ન્યાય મળ્યો હોત !!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “મીનાક્ષી કૈલાસ પંડિત ~ મારી દીકરી”

  1. મનોહર ત્રિવેદી

    મીનાક્ષી પંડિતની બંને રચના ને તમારું લઘુ આસ્વાદન ગમી ગયાં.

Scroll to Top