મુકેશ જોશી ~ ખોટું ના લાગે તો * Mukesh Joshi

ખોટું ના લાગે તો વાત એક કહું ?
હું થોડા દિવસ હવે તારામાં રહું ?

કામમાં હશે તો હું વાત નહીં માંડુ,
મૌનમાંય કોઈ દિ’ ના છાંટા ઉડાડું,
શમણાંનો કાયદોય હાથમાં ન લઉં…. ખોટું

કોણ જાણે હિમ શી એકલતા જામી,
વૈદો કહે છે કે હુંફની છે ખામી,
કહે છે કે તારામાં લાગણી છે બહુ…… ખોટું

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં…… ખોટું

રસ્તામાં કોઈ દિવસ કાંટા જો મળશે,
મારી હથેળી પછી પગ તારો પડશે,
વેદનાનો ભાર હું એકલો જ સહું…. ખોટું

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી
એક ટીપાંની ઇચ્છા કે દરિયો હું થઉં….. ખોટું

~ મુકેશ જોષી

આ ગીત વાંચ્યું અને નોંધ્યા વગર રહેવાયું નહીં….

સાવ હળવી રીતે શરૂ થયેલાં કાવ્યમાં કેટલું ઊંડાણ !!  કેટલો વ્યાપ !!  

પ્રેમકાવ્યો તો ઘણાં મળે, આવાં અનોખાં જવલ્લે જ….  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “મુકેશ જોશી ~ ખોટું ના લાગે તો * Mukesh Joshi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    સીધાસાદા શબ્દો છે અને વિચાર તથા ભાવની ઊંચી ઉડાન છે. પોતાનું અસ્તિત્વ ઓગાળી કોઈમાં ઓતપ્રોત થવાય તો જ તેમાં રહેવાય. સુંદર ગીત.

  2. સમસંવેદનની ભૂમિકાએ વાચકને મૂકી દે એવી રચનાના કવિને અભિનંદન.

  3. kishor Barot

    મારા પ્રિય કવિનું મને બહુજ ગમતાં ગીતો પૈકીનું એક હદયસ્થ થઈ ગયેલું ગીત.

  4. ઉમેશ જોષી

    મુકેશ જોષીની ગીત રચના ખૂબ સરસ છે.
    અભિનંદન..

  5. કાંટા ને હથેળીની વાત કવિની લાજવાબ છે.

Scroll to Top