વ્હેલી સવારે ~ મુર્તઝા પટેલ
વ્હેલી સવારે ક્યારેક તે
‘ગીતા’ની ગાંસડી પીઠ પર
ઊંચકી જાય છે
તો કેટલીકવાર
ભરબપોરે ‘બાઇબલનું બંડલ’
ખભે નાખી લઇ જાય છે.
ઘણીવાર ‘કુરાનનું કાર્ટન’
માથે લઇ જતા જોયો ત્યારે
એ બંદાને સવાલ કર્યો કે..
“શું ‘આ બધાં’ને તમે વાંચો પણ છો ?!?!?”
ત્યારે ગળે અને ગાલેથી પસીનો લૂછતા
સહજ અને સજ્જડ જવાબ આપે છે…
“એમાં શું હોય છે એની મને હજુયે જાણ નથી
પણ દિવસે એમાંથી મારી રોજી-રોટી નીકળે છે,
અને રાતે તેના ખાલી થયેલાં ખોખાંઓની
પથારી પર આરામથી સુઈ જાઉં છું
વ્હેલી સવારે જલ્દી પાછા ‘જાગવાની રાહ’માં….”
~ મુર્તઝા પટેલ ‘અલ્ફન’
ભાઈ મૂર્તઝાની કલમમાં કૌવત છે. એમનું ગદ્ય બહુ રસાળ અને ચોટદાર. એમની કવિતા મેં પહેલીવાર વાંચી… જુઓ એમાંય કેવો કટાક્ષ અને કેટલી ચોટ છે ! હા, મજૂરની ભાષા વધારે સરળ રાખી શકાય…
OP 12.5.22
***
છબીલભાઈ ત્રિવેદી
13-05-2022
મુર્તજા પટેલ નુ કાવ્ય ખરેખર શ્રમજીવી ની ના જીવનની વાસ્તવિક સ્થિતિ નુ દર્શન કરાવે છે તેને ધર્મગ્રંથો વાંચવા નો ટાઈમ નથી પરંતુ તેઓ ધર્મગ્રંથો ને જીવે છે ખુબ સરસ રચના
સાજ મેવાડા
12-05-2022
વાહ, વાહ કવિ મુર્તઝા પટેલ ‘અલ્ફન’ જી, આ સત્યને સમજનારા ને સવામ. આપના અન્ય લેખો પણ મનનિય હોય છે.
