ગહન નિ:શ્વાસની અગ્નિપરીક્ષા :
કોરોનાની બિમારીમાંથી બચી ગયેલા સદભાગીઓને અર્પણ – મુસાફિર પાલનપુરી
ગહન નિ:શ્વાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
લથડતા શ્વાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
રહ્યો છું કેદ દિવસોના દિવસ હું ઘરના એકાંતે
વિરલ વનવાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
બધા આગંતુકોનો પ્રશ્ન એક જ ‘ક્ષેમકુશળ છો?’
અનોખા ત્રાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
તબીબો ખાસ બંદાઓ ખુદાના થઈને પંપાળે
પ્રબળ વિશ્વાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
ખર્યાં છે કેટલા તાજા ગુલાબો પણ નજર સામે
કે પતઝડ માસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
ન આનંદો, ન ઉલ્લાસો, ન ઇચ્છાઓ, ન સપનાઓ
નર્યા સંન્યાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
રચાયો છે ‘મુસાફિર’ એક નવો ઇતિહાસ પીડાનો
ને એ ઇતિહાસની અગ્નિપરીક્ષા મેંય આપી છે
~ મુસાફિર પાલનપુરી
બે દિવસ પહેલાં દિવ્યભાસ્કરમાં વાંચ્યું કે હાલ એકપણ કોરોનાનો કેસ નથી અને કવિ મુસાફિર પાલનપુરીની આ રચના મૂકવાનું મન થયું. અનેક આવા લોકો હશે કે જેઓ આ અગ્નિપરીક્ષામાંથી હેમખેમ બહાર આવ્યા હશે. જેમણે ભોગવ્યું હોય એ જ આ સ્થિતિને સમજી શકે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હવે કોરોનાને દૂર જ રાખે !
18.9.21
***
મયૂર કોલડિયા
19-09-2021
વાહ
છબીલભાઇ ત્રિવેદી
18-09-2021
આજનુ મુસાફિર પાલનપુરી નુ કાવ્ય ખુબજ સરસ કોરોના નો કપરો સમય વૈશાખ ના બપોર ની જેમ કોઈ રીતે પસાર ન થાય અેતો જેને અનુભવ થયો હોય તેજ જાણે હવે ભગવાન દયા કરે તો સારૂ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
Varij Luhar
18-09-2021
અગ્નિ પરીક્ષા મેંય આપી છે… ખૂબ સરસ ગઝલ
