મોના નાયક ‘ઊર્મિ’ ~ પ્રથમ ખૂલ્લી આંખે * Mona Nayak

પ્રથમ ખૂલ્લી આંખે એ સપનાં ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળું ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલાં વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

~ મોના નાયક ‘ઊર્મિ’

છેલ્લો શેર તો સુપર્બ! આટલું સરસ અને તોય કેમ આટલું ઓછું લખો છો? એમ પૂછવાનું જરૂર મન થાય…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “મોના નાયક ‘ઊર્મિ’ ~ પ્રથમ ખૂલ્લી આંખે * Mona Nayak”

  1. મોના નાયક, સરસ . બધા શેર ગમ્યા. વાવણીને લણે છે વાહ

  2. હરીશ દાસાણી.મુંબઈ

    પગરવો રણઝણે અને સગપણને વળગણ ગણે…….આ અભિવ્યકિત ગમી.

  3. અંતરનાં સગપણ..વાળા શેરમાં આજના જમાનાની તાસીર સુપેરે અભિવ્યક્ત થઈ છે. અભિનંદન.

Scroll to Top