🥀🥀
વીસ વરસ ને બાવીસ દિવસે
અથવા અમુક વરસ ને અમુક દિવસે
નવ મહિના ને દસ દિવસ
મારી કૂખમાં મેં એને લોહી આપ્યું.
બે વરસ ને ત્રણ દિવસ
મારા ખોળામાં મેં એને અમૃત પાયું.
છ વરસ ને સાત દિવસ
અંદર-બહારથી મેં એને શણગાર્યા કર્યું.
સોળ વરસ ને સત્તર દિવસ
એના સામે જોયા કર્યું —બસ, જોયા જ કર્યું.
વીસ વરસ ને એકવીસ દિવસ
મારાં બધાં જ સપનાં
એ એક જ સપનામાં મૂકી દીધાં અને—
બાવીસમા દિવસે
એક રેશમી હવા આવી, હસી,
એનો હાથ પકડીને ઉપાડી ગઈ.
અને,
મારી કૂખ, મારો ખોળો, મારી દૃષ્ટિ,
મારાં સપનાં બધું જ ખાલી થઈ ગયું.
અને તોયે
હું તો હસતી રહી, હસતી રહી, હસતી જ રહી.
~ મોહમ્મદ માંકડ (13.2.1928 – 5.11.2022)
વેલેન્ટાઇન વ્હાલી માનું
🥀🥀
અક્ષયપાત્ર
એક એવું પાત્ર –
હું ઇચ્છા કરું ને એમાથી વસ્તુ મળે.
ઇચ્છા કરું તે વહાલ મળે.
ઇચ્છા કરું ને હિંમત મળે.
ઇચ્છા કરું ને સાંત્વન મળે.
ઇચ્છા કરું ને હૂંફ મળે.
અને, ઇચ્છા ન કરું, તોયે પ્રેમ મળે.
એક એવું પાત્ર –
જે એમાં ન હોય એવું પણ આપી શકે !
એ મારી મા હતી.
~ મોહમ્મદ માંકડ (13.2.1928 – 5.11.2022)
🥀🥀
શબ્દમાંથી રૂપ પ્રગટે
રૂપમાંથી અર્થ પ્રગટે
અર્થમાંથી જ્ઞાન પ્રગટે
એવો મારો શબ્દ હો !
પ્રાણમાંથી શક્તિ પ્રગટે
શક્તિમાંથી મૈત્રી પ્રગટે
મૈત્રીમાંથી પ્રગટે બલિદાન
એવી મારી પ્રાણશક્તિ હો !
ક્ષણમાંથી યત્ન પ્રગટે
યત્નમાંથી કાર્ય પ્રગટે
કાર્યમાંથી મુક્તિ પ્રગટે
એવી મારી દરેક ક્ષણ હો !
~ મોહમ્મદ માંકડ (13.2.1928 – 5.11.2022)
🥀🥀

મોહમ્મદભાઈ તો આપણા ગદ્યપુરુષ. એમની કલમમાંથી આવું નમણું અછાંદસ નીપજી આવે એ એમનું નહીં આપણું સદ્ભાગ્ય, લતાબહેન.
આજે કિશોર બારોટની રચના મૂકી છે તે પણ આસ્વાદ્ય. સુપ્રભાત
એકદમ સાચી વાત મનોહરભાઈ. આભારી છું.
મોહમ્મદ માંકડની કવિતાઓ પહેલી વાર વાંચી.ત્રણેય કવિતાઓ ગમી.
વાહ મોહમ્મદ માંકડ સાહેબ
ખૂબ જ સરસ ‘મા’ કાવ્યો.
ખુબજ સુંદર રચના લેખક તરીકે ઉમદા પરંતુ કવિતા ઓ પણ ખુબ સરસ ખુબ ગમી
કેટલી ઉમદા વાત કહી