મેં કહ્યું
’આજે કંઈ વાંચ્યું-લખાયું નહિ
દિવસ આખો નકામો ગયો.
તેં શું કર્યું?’
તે બોલી
’મેં તો બબુનાં બટન ટાંક્યા
તમને ભાવતું શાક બનાવ્યું,
બગીચામાં વેલ પરનાં પીળા પાંદડા ખંખેર્યા
રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી
પાછળ કૂંડીના નળ પાસે પોપટ સાંભળ્યા
અમથી ઘડીકવાર બેઠી
અને તમારી રાહ જોઈ’.
~ યજ્ઞેશ દવે
હવાની લહેર – લતા હિરાણી
એક સ્ત્રીની રોજબરોજની જિંદગી, સામાન્ય પણ તદ્દન અસામાન્ય, નીરસ કે કદાચ કંટાળાજનક પણ તે બીજાની દૃષ્ટિએ, સ્ત્રીને માટે કેટલી મધુરપથી ભરેલી, કેટલી મીઠશ સર્જતી, કેટલી નાવિન્ય ઉપજાવતી !! પોતાના બાળકના શર્ટના બટન ટાંકવામાં કે પતિને ભાવતું શાક બનાવવામાં, રોટલીની સુગંધથી રસોડાને મહેકાવવામાં કે ઘરના આંગણામાં ફાલેલા ફૂલેલા બગીચાને પોતાના હાથથી લીલોછમ રાખવામાં સ્ત્રી અનેક વાર હૈયું ઠારી દેતું સુખ અનુભવે છે!! ને એવું જ સુખ પતિની પ્રતિક્ષા કરવામાં…..
સવાલ આ કે તે કામ કરવાનો નથી, સવાલ એની અંકાતી કિંમતનો છે. પત્ની માટે ‘એ કંઇ નથી કરતી, એ તો હાઉસવાઇફ છે’ જેવા શબ્દો ધીમે ધીમે ઘરને સાચવવામાં રેડાતા દિલને સુકું ભઠ કરી શકે અને પછી એ કામનો થાક લાગી શકે..
કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે!! શબ્દોમાં અત્યંત સરળતા અને એમાં ભાવવિશ્વનો કેવો ઉઘાડ !! હળવાશ અને મીઠાશથી કવિતા એવી ખુલે છે જાણે વહેતી હવાની લહેર.. સરળતામાં જે અદભુતતા રહેલી છે એ કશામાં નથી.. વાત દિવસ પસાર કરવાની છે, દિવસને ત્રાજવા લઇને જોખવા બેસીએ, એમાં કંઇક ઉપજાઉ કામ થયું ? ને એમ સમયના લેખાંજોખાં કરવા બેસીએ તો એ હાથતાળી આપી છટકી જાય પણ અહીં નાયિકાને એવી કોઇ ચિંતા જ નથી. એને કાંઈ પકડવું નથી, કંઈ મેળવવું નથી, બધું બસ થયા કરે છે, પૂરું અનુભુતિનું જ સામ્રાજ્ય છવાયેલું છે અને એટલે સમય પૂરા હાશકારા સાથે એના ખોળામાં જ આવીને બેસી ગયો છે..
કાવ્યના નાયકનો દિવસ નકામો ગયો છે કે આજે કંઈ વંચાયુ-લખાયું નથી પણ નાયિકા માટે આજ તો શું કોઇ પણ દિવસ નકામો જતો નથી કે જવાનો નથી. એને માટે સવારમાં ઊઠીને સૌને માટે ચા બનાવવાથી માંડીને રાત્રે પથારી કરવા સુધીની ક્રિયાઓ પોતાના આનંદનો ભાગ છે. એ કામ નથી, પ્રેમ છે. કોઈના મતે આ વાસ્તવિક નહી, કલ્પનાની – આદર્શ સ્થિતિ હોઇ શકે. પણ આંશિક રીતેય એ સત્ય તો ખરું જ.. આ સુખનો સાવ અનુભવ ન મળ્યો હોય એવી ગૃહિણી મળવી અઘરી છે. અલબત્ત ગૃહકાર્યમાં સુખ અને પૂર્ણ સંતોષ અનુભવતી સ્ત્રીના કાવ્યો જડવાં અઘરાં છે.
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 62 > 20 નવેમ્બર 2012

સરસ રચના નો સરસ મજાનો આસ્વાદ
સરસ આસ્વાદ સાથેની સુંદર રચના
આમ સંતોષ રાખી આનંદમાં રહે એવી સ્રી હજી મળવી મુશ્કેલ, કવિ શ્રીનો અનુભવ હશે.
હવાની લ્હેરખી જેવી જ હળવીફૂલ કવિતા સ્ત્રી ની નાજુક ભીની ભાવનાઓને વ્યક્ત કરે છે.લતાબેનનો સ-રસ આસ્વાદ…
આભાર તનુબેન, મેવાડાજી, છબીલભાઈ અને સૌ મિત્રો