યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા * Yashvant Vaghela

🌸 🌸  

*છેવાડાનો માણસ*

છંદમાં નહીં કવિતા કરું હું
છંદ તો પ્રજ્ઞાચક્ષુઓએ પહેરેલાં ગોગલ્સ છે.
મને તો સગી આંખે બધું જ સંભળાય છે.
લયમાં પણ નહીં કવિતા કરું હું
મારી પાસે તો
પ્રલંબિત નિઃશ્વાસ છે, અમારા દુઃખોના,
એટલે
મારે તો કંડારવી છે,
તારા અવમૂલ્યનની-વિલયની કથા.
ક્યાં છે સમાનતા ?
તે બેસાડું હું પ્રાસ શબ્દનો !
અને સુખનો અનુપ્રાસ તો હજી વાંઝીયો છે.
રૂપ અને આકારની
રચના અને સંરચનાની
વ્યાભિચારી ચર્ચામાં મને રસ નથી.
કારણ કે આ પેટ ખાલી છે.
મને ભૂખનો સાક્ષાત્કાર થયો છે.
લાગે છે
હું માણસ થઈ જઈશ
તો શેતાનોને મારા પુત્ર બનાવી દઈશ.
પછી મારે લખવી છે,
છેવાડાના માણસની આનંદની કવિતા.

~ યશવંત વાઘેલા

એક વિદ્રોહની કવિતા. જેણે દુખ સહ્યા હોય તે જ એની પીડા જાણે અને જ્યાં પેઢીઓથી દુખ વેઠાયાં હોય ત્યાં પીડા જિન્સમાં એટલે કે લોહીમાં ઊતરી આવી હોય. એ તમામ વ્યવસ્થા સામે વિરોધ ઉઠાવે, તમામ ગોઠવણો સામે વિદ્રોહ કરે તો એ સાંભળવો જ પડે. કેમ કે એને અધિકાર છે. અલબત્ત આ શાંતિનો રાહ નથી, કોઈપણ પક્ષે. પરંતુ એમાં રહેલી સચ્ચાઈને નકારી શકાય નહીં.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા * Yashvant Vaghela”

  1. કાવ્યમાં વિદ્રોહથી શરુ થતી વાત વેદના સાથે વિરમે છે. અનૂઠી શૈલી લખાયેલી રચના..

  2. Gordhanbhai Vegad

    વાહ વાહ…વિદ્રોહના લયસ્તરો વેદનાના કિનારે અથડાઈ ને વિદ્રોહમાં જ ભળી જાય છે ખૂબ સરસ👌👌

  3. દાન વાઘેલા

    યુગોથી માનવીય હક્ક માટે પંડમાં ધુંધવાતી પીડાનો સ્હેજ ઉપસી આવેલ શાબ્દિક કેલિડોસ્કોપ.

Scroll to Top