
🥀🥀
*મધરાત પછી અમદાવાદ*
સાવ ઠબી ગયેલું સાબરમતીનું લંગડું પાણી
અર્ધમીંચેલી આંખે કશાક નશામાં…
હજીયે ભૂતકાળને ચ્યુંગમની જેમ ચગળતા ઝૂલતા મિનારા
થીજેલા ધુમાડાને કારણે બળતી આંખોને
પરાણે પહોળી કરી રાખીને ઊભેલાં નિયોન લેમ્પ્સ
થીજી ગયેલા આંસુ જેવું કાંકરિયા
કો’ક જંગલમાં ભાગી જવા માટે
ચોર પગલે સરતાં જતાં રડ્યાં ખડયાં વૃક્ષો
ધરતીમાં સમાઈ જવા ઇચ્છતો યુનિવર્સિટીનો ટાવર
નિંદ્રાને પકડવા મથતી આસ્ફાલ્ટની સડકો
પ્રેતસૃષ્ટિના બિહામણા પડઘાઓથી થરથરતી
વેદનાની ઝીણેરી ભાત જેવી સીદી સૈયદની જાળી
લાલદરવાજે સૂનમૂન પડેલી
વેરણછેરણ ચણોઠીઓ જેવી મ્યુનિસિપાલિટીની બસો
યુદ્ધના થાકથી હજીય કણસતો ભદ્રનો કિલ્લો
ધુમાડા ઓકી ઓકીને
નક્ષત્રોની આંખોનેય ખરાબ કરતાં મિલનાં ભૂંગળાં
(આ ઊંચા ઊંચા ભૂંગળાને ટેકે જ શું
ઊભું હશે પડું પડું થતું જર્જરિત આકાશ?)
એકમેકને ચપોચપ ચોંટીને ખુલ્લી આંખે સૂતાં
ને ચપટી શ્વાસ માટે ફાંફા મારતાં ખાડિયાનાં દમિયલ મકાનો
ભીષણ યુદ્ધ ખેલ્યા પછી થાકીને લોથપોથ થઈ ગયેલા
બહુમુખા રાક્ષસ જેવું આ
લઘરવઘર નગર;
જે ઢગલો થઈને પડયું છે કણસતું
અર્ધનિદ્રામાં, અર્ધસ્વપ્નમાં !
~ યોગેશ જોશી
આજે 26 ફેબ્રુઆરી. અમદાવાદદિન

ગમતાં કવિની ગજબ પકડ છે અછાંદસ પર. આમ તો લાઘવ એમની ખૂબી છે પરંતુ તેમના દીર્ઘ કાવ્યોમાં પણ એક પણ શબ્દ વધારાનો ના લાગે તેવી ગૂંથણી હોય છે. આનંદ….
સરસ કાવ્ય ખુબ ગમ્યુ
અછાંદસ કાવ્યમાં માહિર કવિ શ્રી એ સરસ અમદિવાદના કાંકરિયા નું ચિત્ર ઉપસાવ્યું છે.
અમદાવાદ વાંચવું.
વાહ 👌👌