રણજિત પટેલ ‘અનામી’ & વ્રજલાલ વઘાસિયા * Ranjit Patel * Vrajlal Vaghasia

ગળ્યાં આજે એવાં

તને પહેલી જોઈ અતલ ઉરમાં થૈ ચમક ને
ઠરેલાં ને ઊંડાં સરવરજલે કંકર પડ્યો
રચીને વર્તુળો ઉતરતટપ્રદેશે જલ ધસે!
તટેથી રેલાતો વિરલ રસ
, બે સારસ હસે!

પછી તારામૈત્રી, ઉભય ઉરનો તાગ, વિફલ!
ધૃતિ ધારી કાળે મન-મીન ફસાતું પ્રીતિ-ગલ.
રસૈક્યે એકાકી દ્વિદલ, ઉરની એક જ ગતિ
પ્રમાણી અન્યોન્યે અનુકૂલ રસાર્દ્રા સ્થિર રતિ.

મનોનુકૂલા શી! રજરજ વસે, એક જ મતિ,
પરસ્પર વ્યવહારે મન-હૃદય સંવાદીલી ગતિ.

અભેદે અન્યોન્યે રસ ગહનમાં મજ્જન કીધું,
કશું દીધું કોને? નિજનું કશું? સર્વસ્વ જ દીધું.

ગળ્યાં આજે એવાં રસ, રસનિધિ શાન્ત છલકે,
શશિને પ્રેક્ષીને અવનિ પરનો અબ્ધિ મલકે!

~ રણજિત પટેલ ‘અનામી’  (26.6.1918-)

 જન્મદિને કવિને સ્મૃતિવંદના  

 

ક્ષણો

ક્ષણો નથી કંઈ કાચ તણું કોચલું કે
ક્ષણોને આપો છો ભ્રમણાનું નામ
,
ક્ષણોની ભોગળને ખોલો કે અંદરના
ઝળહળતા ઓરડા તમામ.

ક્ષણો તો શ્વાસ તણું પહેલું છે પારણું ને
ક્ષણો છે પ્રગટી જે પહેલી તે પ્રીત
,
ક્ષણોને હેતભર્યું સ્પર્શો તો રોમરોમ
ઊગશે જે કૂંપળના ફૂટવાનું ગીત.

ક્ષણોનો વડલો આકાશભરી ઊગે તો
ડાળ ડાળ ડોલે છે રૂપેરી નીડ
,
ક્ષણોનાં ઝરણાંને ઝીલું બંધ પોપચે ને
સમણામાં સરોવરની અડાબીડ ભીડ.

ક્ષણોનાં મોતીને વેરું વેરાનમાં ને
ગુલોના લૂમઝૂમ લે
રે છે બાગ,
ક્ષણો તો ફાગણિયા-કાયની ચૂંદડી ને
ક્ષણો છે છાતીમાં ફોરે તે ફાગ.

ક્ષણોની ભીતરમાં ઊતરો ને યુગોની
દેખાશે એક નહિ નાનીશી રેખ
,
ક્ષણોના સમદરમાં ડૂબીને જુઓ કે
ભીતર ને બહાર બસ લહેરે છે એક.

~ વ્રજલાલ વઘાસિયા (26.6.1935-)

જન્મદિને કવિને સ્મૃતિવંદના  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રણજિત પટેલ ‘અનામી’ & વ્રજલાલ વઘાસિયા * Ranjit Patel * Vrajlal Vaghasia”

  1. ઉમેશ જોષી

    બન્ને કવિઓને સાદર સ્મરણ વંદના.

Scroll to Top