રતિલાલ ‘અનિલ’ ~ રસ્તો

રસ્તો ~ રતિલાલ ‘અનિલ’

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .

અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !

નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.

પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.

નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !

મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .

હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !

નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !

ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .

લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !

વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !

‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !

રતિલાલ ‘અનિલ’ (23.2.1919-29.8.2013)

કવિના જન્મદિવસે સ્મૃતિવંદન

OP 23.2.22

***

સાજ મેવાડા

23-02-2022

ખૂબ જાણીતી ગઝલ, ફરીથી માણવા મળી.
“નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !”
હાસિલે ગઝલ શૅર.

છબીલભાઈ ત્રિવેદી

23-02-2022

આજે દિગ્ગજ કવિ રતિલાલ અનિલ નો જન્મદિવસ અને તેની ખુબજ જાણીતી રચના સાંભળયુ છે કે રસ્તો ઘણા વખતથી બંધાય છે અત્યારે રસ્તા તો ઘણા બંધાય છે પણ માણસ થી માણસ નો રસ્તો કપાઈ ગયો છે ખુબ સરસ

Varij Luhar

23-02-2022

નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !
આવા શાશ્વત શેર ના રચયિતા સૌના આદરણીય રતિલાલ અનિલ
ની દિવ્ય ચેતનાને વંદન 🙏🙏

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top