રતિલાલ ‘અનિલ’ ~ મારાથી દૂર હું જ * Ratilal Anil

મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !

આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !

પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !

ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !

બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોળતો હતો !

કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !

બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !

~ રતિલાલ ‘અનિલ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “રતિલાલ ‘અનિલ’ ~ મારાથી દૂર હું જ * Ratilal Anil”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    વાહ. બળતો સૂરજ આખો નદીમાં નહાય એ કલ્પન અપૂર્વ છે. બીજા મિસરામાં ચરણ બોળતો હતો ને બદલે બોલતો હતો તે ટાઇપભૂલ હશે.

Scroll to Top