અતિશય બધુંયે સહજ થઇ ગયું છે;
એ બ્રહ્માંડ જાણે કે રજ થઇ ગયું છે.
ઉનાળુ મધ્યાહ્ન માથે તપે છે,
બધું કોઇ મૂગી તરજ થઇ ગયું છે.
હું તડકાના કેન્વાસે ચીતરું છું કોયલ;
ઘણું કામ એવું, ફરજ થઇ ગયું છે.
છે દેવાના ડુંગરશાં તોંતેર વર્ષો,
કે અસ્તિત્વ મોટું કરજ થઇ ગયું છે.
‘અનિલ’, વિસ્તર્યું મૌન તડકારૂપે, આ,
મને માપવાનો જ ગજ થઇ ગયું છે.
~ રતિલાલ ‘અનિલ’ 23.2.1919 થી 29.8.2013
સુરતના કવિ રતિલાલ ‘અનિલ’નો આજે જન્મદિવસ. આખું નામ રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અભ્યાસમાં ફક્ત બે ધોરણ. ‘આટાનો સૂરજ’ કાવ્યસંગ્રહ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર.
કવિના જન્મદિને સ્મૃતિવંદના

ખુબ સરસ કાવ્ય બધા શેર ખુબ તાજગી સભર કવિ શ્રી ના જન્મદિવસે સ્મૃતિ વંદના
રતિલાલ અનિલે ગદ્ય અને પદ્ય બંનેમાંસુંદર રચનાઓ આપી છે .કંકાવટી સાહિત્યિક માસિક પણ ઉત્તમ સંપાદનકાર્ય માટે યાદ આવે છે. કવિની સ્મૃતિને વંદન
કવિશ્રીના જન્મદિને સ્મૃતિવંદન.