સંબંધોના ચાસ ઉપર લે પૂળો મૂક્યો
ચકરભમર આ શ્વાસ ઉપર લે પૂળો મૂક્યો
ચારે પગમાં બાંધી જળને દોડે છે એ, દોડે છે એ, દોડે છે : છો દોડે
ચરણ પીગળી રેત સોંસરા પીગળે છે એ, પીગળે છે એ, પીગળે છે : છો પીગળે
મૃગ-મૃગના ભાસ ઉપર લે પૂળો મૂક્યો
તરસ-તરસના માસ ઉપર લે પૂળો મૂક્યો
બંધ નગરની રોજ વધે છે, રોજ વધે છે, રોજ વધે દીવાલો
બહાર, નગરની બહાર, નગરની બહાર, એકલા સાવ એકલા ચાલો
નગર-નગર આ ખાસ ઉપર લે પૂળો મૂક્યો
ખાલીખમ આવાસ ઉપર લે પૂળો મૂક્યો
~ રન્નાદે શાહ
એક બાજુ કવિ કહે છે, ‘લે પૂળો મૂક્યો’ અર્થાત પૂરું કર્યું, પૂર્ણવિરામ મૂક્યું. તો તરત અંતરામાં ‘દોડે છે’નો ચાર વાર પ્રયોગ ભાવકને અનવરત ગતિમાં મૂકી દે છે ! એવું જ બીજા અંતરામાં. આ બે ક્રિયાનું જકસ્ટાપોઝ કાવ્યત્વને અલગ જ આયામ આપે છે અને કવિતા નીખરી ઊઠે છે. આખું ગીત જીવનની ફિલોસોફી લઈને વહે છે, સ્વત્વના સમંદરમાં શ્વસે છે, વાત ગૂઢ રીતે કહેવામાં આવી છે એ એની બીજી વિશેષતા. તો લયનું લાલિત્ય સુંદર જળવાયું છે એ ત્રીજી….
