🍀
*લગ્નનું ઘર*
કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે;
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુક સમાં
રજોટાઈ ધૂળે ધૂળ થકીય થાતા મલિન જે.
પણે બારીમાંથી નીરખી રહી છે વાગવધૂઓ,
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણીતો બે મળી રહ્યાં.
બજે વાજાં, સાથે સૂરબસૂરશા બ્રાહ્મણ તણા!
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પૂરંત દંગને,
મચે ચોપાસે શો કલબલ દધિગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં મત્ત ધબકે.
~ રમણલાલ પંડ્યા ‘સનાતન’ (18.7.1918 – 12.7.1987)
કવિ ઉશનસના મોટાભાઈ.
એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પ્રગટ કર્યો હતો.

સાદર સ્મરણ વંદના.
સરસ કાવ્ય આવી રચના અને કવિ વિશે જાણવા મળ્યુ
વાહ, સુંદર લગ્ન સમયના ચિત્ર સાથે વિરહિણી.
છંદકાવ્ય દ્વારા ઉપસતું સરસ શબ્દચિત્ર.
કવિને વંદન.