

*નગારું*
ઝાલરનો ઠાવકો સંવાદ આરંભાય
હરખપદૂડી ઘંટડીઓ આઘીપાછી થાય
રજોટાયેલાં ગામ પર ફૂંકાય
સાંજનો શંખ
ભખભખે રાંધણિયાં, મઘમઘે ધૂપ
આંગણે આંગણે તુલસીક્યારે ઝગે દીવડા
ટેકરીઓ પગ બોળી નદીમાં
ઊતારે દિવસના થાક
પાદર પૂગતાં પૂગતાં
આખેઆખું આભ સંકેલાય
પાંદેપાંદથી બજાવે તાળી પીપળા
ઝાંખીપાંખી દિશાઓ ઢંઢોળતાં
ગાજે નગારાં ઘોર
~ રમણીક અગ્રાવત
‘વાદ્યોમાં હું રણકાર છું’ * ઊર્મિદીપ 2018 (માંથી)
નાનકડા ગામની સાંજ જીવંત થઈ ઉઠી છે. ઝાલરનો ઠાવકો સંવાદ અને ઘંટડીઓનો હરખ સીધો હૈયામાં ઉતરી જાય એવી પંક્તિઓ. જ્યાં પીપળા એના પાનથી તાળી બજાવે છે એવા આ નાના ગામનું ચિત્ર પોતીકું અને રળિયામણું બન્યું છે. તમામ પ્રતીકો, પછી એ નદી હોય, ટેકરી હોય કે તુલસીક્યારાના દીવડા… કાવ્યમાં મ્હોરે છે. અને અંતે રાતની નિશાની….
પુસ્તક મોકલવા બદલ આભાર કવિ
@@
*વિજેતા*
જયજયકારથી ગાજતી હો દિશાઓ
તાળીઓ તાળીઓ તાળીઓ
પંડમાં સમાતું ન હોય પંડ
પોકારવું આગવું બંડ
કહી દેવું : આવજો.
ચોમેરથી આવતા હો હરખુડા હોંકારા
ખાળીને ઊછળતા ધક્ધક્ ધડકારા
વદી શકવું પોતાને, બસ થયું
ફંગોળવું કચકચાવીને
કંગાળ ખાલીપણું.
બને તો ઊભવું નહીં આવજોય કહેવા
ચાલી નીકળવું નીજ મગ્ન રહેવા
ચૂપચાપ ખસી જવું શૂન્યમાં
જાળવી લઈ જાતમાં
નરવું નવેલું હું-પણું.
~ રમણીક અગ્રાવત
‘પંડમાં સમાતું ન હોય પંડ’ વિજયના હરખની આનાથી સારી અભિવ્યક્તિ હોય શકે?
પણ…… ઉપર પહોંચેલાને ખસતાં ક્યાં આવડે છે? ઉદાહરણો ચારે બાજુ છલકાય છે.
કોઈ વિરલા જ હોય જે આવજો કહેવાય ઊભા ન રહે અને ચૂપચાપ નીજની મસ્તીમાં સરી જાય !
અંતરિક્ષમાં લટકતી સીડીઓ * ઊર્મિદીપ 2021
પુસ્તક મોકલવા બદલ આભાર કવિ

Pingback: 🍀4 જુલાઇ અંક 3-1202🍀 - Kavyavishva.com
વાહ બન્ને રચનાઓ ખુબ ગમી વતન ની યાદ આવી ગઈ અભિનંદન સ્વાગત
ખૂબ જ સરસ બંને અંછાદસ કાવ્યો.
સમીસાંજનું ચિત્ર એનાં વિવિધ પ્રતીકોને લીધે જીવંત બન્યું છે.
બીજી અછાંદસ રચના પણ સરસ છે.
અભિનંદન.
સુંદર મજાનું ચિત્ર નજર સમક્ષ અંકાઈ ગયું….
ભખભખે રાંધણીયા…તળપદા શબ્દોથી જાણે પીઠી કરી શબ્દ દેહની…બને રચનાઓ ખૂબ સુંદર
ચૂપચાપ ખસી જવું શૂન્યમાં
જાળવી લઈ જાતમાં
નરવું નવેલું હું પણું.
વાહ ભૈ વાહ. બીજુ શું કહું????
ધૂળિયા ગામની સાંજનો સાચે જ સાક્ષાત્કાર