રમણીક અરાલવાળા ~ ઓઢી અષાઢના * Ramanik Aralwala

ઓઢી અષાઢના

ઓઢી અષાઢના આભલાં, જંપી જગની જંજાળ
જાગે એકલ મોરી ઝંખના, મધરાતને કાળ
દેવી ! આવો ને મારી દેરીએ…

કાળી નિશા કેવળ કમકમે, નથી કંપતા વાય
પગલાં તમારા પોકારથી, પાંપણ ઊઘડે બિડાય
દેવી ! આવો ને મારી દેરીએ…

પ્રેમે પખાળું પાવન પાવલાં, રેલી નયણાંની ધાર
સમાધિનાં છે સિંહાસનો, મેલ્યા મંથન થાળ
દેવી ! આવો ને મારી દેરીએ…

વાધી વાધીને વેદન વલવલે, ઊંડે કંઠમાં આગ
રમતાં આપો હો ઋતંભરા ! મોરી રટણાને રાગ
દેવી ! આવો ને મારી દેરીએ…

કલ્પનાને છૂટો કનકવો, ઢૂંઢે વ્યોમની કોર
આવો અંબા ! એને બાંધવા, દિવ્ય દૃષ્ટિના દોર
દેવી ! આવો ને મારી દેરીએ…

ધૂણી ધખે મારા ધૈર્યની, જલતું જીવન-કાષ્ઠ
આભની પારનાં આભલાં, જોવા આપો પ્રકાશ
દેવી ! આવો ને મારી દેરીએ…

પોકારતા કોટિ કેશથી, બળતા ધરતીના બાગ
કલ્યાણી આપો કેડી બની, ઝૂરતા ઝરણાને માગ
દેવી ! આવો ને મારી દેરીએ…

~ રમણીક અરાલવાળા (6.9.1910-24.4.1981) 

કવિનું વતન વાત્રક-કાંઠાનું ગામ અરાલ. 1941માં ‘પ્રતીક્ષા’ કાવ્યસંગ્રહ’થી કવિ તરીકે પ્રતિષ્ઠિત. પ્રકૃતિપ્રેમ, દીનજનસમભાવ, માતૃપ્રેમ, વતનપ્રેમ વગેરે તેમના પ્રિય વિષયો. પ્રશસ્ય છંદ-પ્રભુત્વ. પ્રશિષ્ટ કાવ્યરીતિના સર્જક.

‘નગીનાવાડી’ (1941) બાલભોગ્ય કાવ્યોનો સંચય. ‘રસપોળી’(1945)માંયે બાલમાનસને અનુલક્ષતાં કાવ્યો. એમની ગદ્ય-સર્જકતાનો સરસ ચમકારો ‘સાંદીપનિનાં રેખાચિત્રો’(1945)માં જોવા મળે છે. એમની અનુવાદક તરીકેની ક્ષમતાનો પરિચય દેશવિદેશની સાહસકથાઓના સંચય ‘સાહસકથાઓ’(1946)ના તેમજ ટૉલ્સ્ટૉયની બોધક વાર્તાઓના સંચય ‘સાચી જાત્રા’ના અનુવાદમાં મળે છે. – મણિલાલ હ. પટેલ

સૌજન્ય : ગુજરાત વિશ્વકોશ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “રમણીક અરાલવાળા ~ ઓઢી અષાઢના * Ramanik Aralwala”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ ભક્તિ ગીત. આપે ભૂલાયેલા કવિ, સાહિત્યકારને જાણવાનો મોકો આપ્યો,

Scroll to Top