આંગણ આવ્યો અજવાળાંનો અલબેલો તહેવાર
વાળી-ઝૂડી અંધકારને ફેંકો ઘરની બહાર
ભાંગ્યા-તૂટ્યા મનોરથોનો કાટમાળ હડસેલી
ઉમળકાનાં તોરણથી શણગારો ઘરની ડેલી
કાટ-ચડ્યાં ગીતોને પંખીના કલરવથી માંજો
અણોસરી આંખોમાં નમણાં-નમણાં સપનાં આંજો
અણબનાવની જૂની-જર્જ૨ખાતાવહીઓ ફાડો
નવા સૂર્યની સાખે અક્ષર હેત-પ્રીતના પાડો
ભોળાં-ભોળાં સગપણની જો ગૂંથીને ફૂલમાળા
પહેરાવો તો સૂકાં જીવતર બની જશે રઢિયાળાં
સુખની ઘડીઓ કોઈ ત્રાજવાં-તોલાથી ના જોખો
આંગણ આવી ઊભું છે અજવાળું એને પોંખો.
~ રમેશ પારેખ
અંધકાર ગમે એટલો ઘેરાયો હોય પણ એને ઊંચકીને ફેંકી દેવો જ ઘટે. મનમાં જે જે કચરાજાળા બાઝ્યા હોય એને ખંખેરવા જ ઘટે…. આવતી કાલની આશા ન હોત તો માનવી જીવત કેવી રીતે ?
રંગેચંગે દિવાળી ઉજવ્યા પછી ‘કાવ્યવિશ્વ’ની ભૂમિ પર મળીએ છીએ મિત્રો…. મજાનું ગીત સાંભળીએ…. અમર ભટ્ટના સ્વરમાં
OP 1.11.22
