રમેશ પારેખ ~ એકલો છે & આ કાળું પાટિયું * Ramesh Parekh

બુદ્ધ છે

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે,
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે.

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.

જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.

વિશ્વ એની ગતમાં ચાલે તારી ગતમાં તું રમેશ,
એટલે રસ્તા બધા દુઃસ્વપ્નથી અવરુદ્ધ છે.

~ રમેશ પારેખ

લખો

આ  કાળું પાટિયું ને  ચોક, લ્યો જનાબ લખો
તમારા  હાથ  વત્તા   કેટલાં  ગુલાબ?  લખો

ખરું  ને?  શોખ  છે તમને  પ્રથમથી  ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ? લખો

ફરી પૂછું છું  કે  શું  અર્થ  છે  આ જીવતરનો લ્યો,
ચોક લ્યો, અને  આ પ્રશ્નનો જવાબ લખો

ખરાબ  સ્વપ્નથી  નંબર  વધે   છે   ચશ્માંના
તો  કેવા સ્વપ્નને  કહેશો તમે  ખરાબ? લખો

લખો,  લખો કે છે,  તમને  તો  ટેવ લખવાની
બધા   તમારા  આપઘાતના   હિસાબ  લખો

આ  કાળા  પાટિયાની  બીક  કેમ રાખો છો?
તમે  સમર્થ છો,  લ્યો ચોક, ‘આફતાબ’  લખો.

~ રમેશ પારેખ


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “રમેશ પારેખ ~ એકલો છે & આ કાળું પાટિયું * Ramesh Parekh”

Scroll to Top