મારામાં આરપાર રહેતાં
કાચમાં રહે છે પારદર્શકતા,
એમ તમે મારામાં આરપાર રહેતાં…
ફૂટી ગયેલા આરપારતાને વળગીને,
તાકતી સપાટીઓ તો અંધ,
દાળમાંથી પાન જેમ ઉગી નીકળે છે,
એમ આપણને ઉગ્યો સબંધ…
પાનને લીલાશ બેઉ વચ્ચેની દુરતામાં,
જોજનનાં પૂર હવે વહેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
આખાયે પૂરને હું બે કાંઠે ઘુઘવતી,
ઘૂમરીની જેમ રે વલોવું,
ઘૂમ્યા કરે છે એકધારી ભીનાશ,
મને લાગતું ન ક્યાંક મારું હોવું…
હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…
~ રમેશ પારેખ
રમેશોત્સવ
જોરાવર ગ્રામકન્યાનું ગીત
ઠોંસો મારું તો થાય ઠેં
એવા એક છોરા પર મરી પડું મેં !
આફૂડી આફૂડી કૉળ્યું ચડે છ્
એનું ઊતરેલું ડાચડિયું જોઈ,
નહીં તો એ છોકરામાં એવું તે શું છે
જે મારા બાવડામાં ન્હોય?
સાવઝની ફટવે છે ફેં, ઈ હાથ મારા
ખાઈ ગયા છોરાની ભે?
ઠોંસો મારું તો થાય ઠેં…
બકરીયો ચારવાનું મેલી ઈ ભૂત એક
ઝાડવામાં આંખ્યું ચરાવતો!
એક ઝાડમાંથી ઝાડ કેટલાંક આંખ
એની જોતી કે છેડો ના આવતો?
દાઝ ઘણી ચડતી રે છે, ઈ દાઝનો
ઉતાર પણે બેઠો ઈ, લે!
ઠોંસો મારું તો થાય ઠેં,
એવા એક છોરા પર મરી પડું મેં !
~ રમેશ પારેખ
રમેશોત્સવ

ગ્રામ કન્યા નું ગીત…રમતિયાળ છે અને ખૂબ આનંદ દાયક છે
વાહ વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી
વાહહહહ……. વાહહહહ..
ગ્રામ કન્યાની રચનામાં ધ્વનિ મૂલક શબ્દો મૂકીને કમાલ કરી છે.
બંને કાવ્યો સરસ .
કવિએ વાપરેલા શબ્દોમાં ગ્રામ્ય કન્યાનો લહેકો વર્તાયો.