રમેશ પારેખ ~ જળને કરું & ઝાડ એના પાંદડાંને * Ramesh Parekh

જળને કરું જો સ્પર્શ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શહેરને એવું થયું છે શું ?

ખાબોચિયાની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું?
પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શહેરનું ખાલી મકાનનું.

આ મારા હાથ હાથ નહી વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.
પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું….

ટાવરને વૃક્ષે ઝૂલે ટકોરાનાં પકવ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?
આખું શહેર જાણે મીંચયેલી આંખ છે,
એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું.

~ રમેશ પારેખ

રમેશોત્સવ

ઝાડ એના પાંદડાંને પૂછે છે

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને
સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં ,
એને હું કહું મારો પ્રેમ !  

~ રમેશ પારેખ

રમેશોત્સવ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “રમેશ પારેખ ~ જળને કરું & ઝાડ એના પાંદડાંને * Ramesh Parekh”

  1. ઉમેશ જોષી

    રમેશોત્સવનો ઉપક્રમ રોચક અને આવકાર્ય છે..

    લતાબેનને ધન્યવાદ.

Scroll to Top