રમેશ પારેખ ~ તારું પહેલા વરસાદ & દર્પણ શી આંખ * Ramesh Parekh

તારું પહેલા વરસાદ સમું આવવું

તારું પહેલા વરસાદ સમું આવવું
ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં
તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

બળતે બપ્પોર ભીનો પગરવ સૂણીને
કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોના એવાં અંધાર્યા વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર આપણે
ઊભાં રહ્યાંનું પૂર આવવું

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ
ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં

તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું………

~ રમેશ પારેખ

દર્પણશી આંખ

દર્પણ-શી આંખ તમે ફેરવી લીધી ને
મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

ચહેરો તો ઠીક, એક જેવોતેવો ય
નથી પડછાયો સાચવી શકાયો
ભ્રમણાનો સૂર્ય તોય એવો તપે કે
ફૂંક મારું એનો ય પડે છાંયો
મારા વગડાઉ હાથ ફંફોસે ફૂલ અને
આંગળીઓ વીંધાતી શૂળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને
મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં

એવો તો રોજરોજ બળતો અવકાશ લઈ
શેરીમાં વાયરા ફૂંકાયા
ઘરમાં હતા એ બધા ઝળહળતા આયના
પાણીની જેમ રે સુકાયા
કેવું થયું કે મને હું યે ન ઓળખું કે
ઓળખે ન કોઈ ગોકુળમાં
દર્પણ શી આંખ તમે ફેરવી લીધી ને
મારો ચહેરો ઢોળાઈ ગયો ધૂળમાં.

~ રમેશ પારેખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “રમેશ પારેખ ~ તારું પહેલા વરસાદ & દર્પણ શી આંખ * Ramesh Parekh”

Scroll to Top