રમેશ પારેખ ~ તારો વૈભવ Ramesh Parekh

તારો વૈભવ રંગમોલ ~ રમેશ પારેખ

તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું
મારે ફળિયે ચકલી બેસે તે – મારું રજવાડું

તારે બોલે હાંફળફાંફળ ચાકર ઊઠેબેસે
મારા ઘરમાં કીડી સુધ્ધાં દમામપૂર્વક પેસે

મારે ફળિયે ઝૂલે ઝાડની ઘટાદાર હુશિયારી
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું…..

તારે ફળિયે તારો વૈભવ ખોંખારાઓ ખાય
મારે પંખીના ટહૂકાથી અજવાળાં ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?

રમેશ પારેખ

રમેશ પારેખે કવિતાના દરેક ક્ષેત્રમાં પૂરા દમામપૂર્વક કલમ ચલાવી છે… ઉદાહરણો કેમ આપવા ?  કેમ કે એમની દરેક કવિતા એનું ઉદાહરણ છે !

OP 17.5.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top