🍀
*શોધશે અજવાસને*
ક્યાં હવે ભમતી દિશાઓ શોધશે અજવાસને
સાંજની ઝાંખી હવાઓ પી ગઇ અવકાશને
શૂન્યતાએ ઓલવી નાખ્યા અવાજોના
સૂઇ રહ્યાં છે ઘાસના મેદાન ઓઢી ઘાસને
ખાલી ઘરમાં દ્વાર ખોલીને પ્રવેશે અંધકાર
ને જતાં નીરખી રહું ઠરતા દીવાના શ્વાસને
છે વિચારોમાં એ ઝરણું પણ ભીંજાવે સાંજને
પાણીની સાથે નથી સંબંધ કંઇ ભીનાશને
~ રમેશ પારેખ
🍀
*ન હોત પ્રેમ તો*
ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.
થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!
તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.
તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?
આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?
તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂછોય ના ઉગાડી હોત.
~ રમેશ પારેખ

Pingback: 🍀15 જુલાઇ અંક 3-1213🍀 - Kavyavishva.com
ખૂબ જ સરસ ગઝલો, સરસ ચયન.
ખુબ સરસ ગઝલો
જુદા જુદા અંદાજમાં રચાયેલી ગઝલો સરસ છે.
ર.પા.ની બન્ને ગઝલ સંવેદનશીલ છે.