🥀 🥀
*સલાહ*
જીવવું છે? તો સખણો રહીને જીવ,
પાડ મા વાંધાવચકાં રે….
ઝાડ હોય તો ફૂલો યે આવે, થાય
કુહાડીથી યે ટચકા રે….
ઘડીઘડી ના તોળ્યા કર લાગણીઓ સાથે જીવને,
લોહીમાં તિરાડ પડે તો બખિયા મારી સીવને !
નવી જ નિસબત ઘડ આમાંથી, લે
સગપણના લોચાલચકા રે….
સપનું હોય તો ભાંગે એનું વળતર તું કાં માગે?
ઠેસ વાગતાં આખો રસ્તો ગાળસમાણો લાગે?
જેવી છે તેવી સૃષ્ટિને ચાહ ન ભર, લોઢાંને બચકાં રે….
~ રમેશ પારેખ
🥀 🥀
તો ટકશો….
લાગણીઓની લીલી ગાંઠે બંધાશો તો ટકશો ….
આ ગાતું પંખી જોઈ ગળું ના ખૂલે તે કંઈ ચાલે?
આ હૃદય ઝાડની સંગાથે ના ઝૂલે તે કંઈ ચાલે?
કડી-કડી થઈ એકમેકથી સંધાશો તો ટકશો….
આ મોઢું મરડી તમે જ ખૂણે બેસો તે કંઈ ચાલે?
આ નવી ઉષાથી તમે અબોલા લેશો તે કંઈ ચાલે?
તમે પરસ્પર હૈયું માંજી મંજાશો તો ટકશો….
~ રમેશ પારેખ
***
ટેકનીકલ પ્રોબ્લેમ હોવાને કારણે આ સાઇટ તા.23 થી 28 અપડેટ નથી કરી શકાઈ. ક્ષમા.

વાહ ર.પા.ના બન્ને ગીતો ખુબ સરસ ખુબ ગમ્યા
સરસ ગીતોની પસંદગી. કવિ શ્રી ર.પા. ને સ્મૃતિ વંદન.