મારી આંખમાં તું
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે,
ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે,
થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર,
એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ,
ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે,
ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના
ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય
અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે,
દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે,
ઘેરાતી રાત તને યાદ છે ?
~ રમેશ પારેખ
સૂરજ વિનાનું સાવ ગામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ
એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં
સૂઝે નહીં શમણું કે કામ
એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે
મારી હથેળીયુંની મેંદી ચીંધીને
કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં
સૂઝે નહીં શમણું કે કામ
સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી
તડકા રે હોય તો તો છાંયડા વિનાના
કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ
એવું સૂરજ વિનાનું સાવ ગામ.
~ રમેશ પારેખ

ખૂબ જ સરસ ગીતો.
ખુબ માણવા લાયક ગીતો અભિનંદન કાવ્ય વિશ્વ
બન્ને રચના ખૂબ ખૂબ સરસ..
રમેશોત્સવની ઉજવણીનો ઉપક્રમ ગમ્યો.