તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
જો સૌના મોં સિવાય
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
– रवीन्द्रनाथ ठाकुर
ભાવાનુવાદ – મહાદેવભાઇ દેસાઇ
‘ગીતાંજલિ’ માટે જેમને નોબલ પ્રાઇઝ એનાયત થયું હતું એવા આપણાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો આજે જન્મદિવસ. સદી ઉપરાંત સમય વીતી જવા છતાં આજે પણ જે એટલું જ મનને સ્પર્શે છે એવું અતિખ્યાત ગીત, ‘એકલો જા ને રે’ …મહાદેવભાઇ દેસાઇનો આ ભાવાનુવાદ અને હિન્દી ગાન સાંભળો મિતાલી ઘોષ અને સાથીઓના અવાજમાં.
સૌજન્ય : Beeps Music
7.5.21
કાવ્ય : રવીન્દ્રનાથ ટાગોર * સ્વર : મિતાલી ઘોષ અને સાથીઓ
***
પરેશભાઈ ઘીરૂભાઇ અધ્વર્યુ
09-05-2021
કવિવર રવીન્દ્રનાથ ટાગોર જ્યારે ગણદેવી આવ્યા હતા અને અમારી 157 વર્ષ જૂની હાલમાં ગઝલ રેડની પણ મુલાકાત લીધી હતી એકલો ચલો રે તારી જો હાક સુણી કોઇ ના આવે તો એકલો ચલો રે આ રાષ્ટ્ર ભક્તિનું ખુબ જ સુંદર ગીત વિશ્વને ભેટમાં આપ્યો તમને ગણદેવી મુલાકાતને યાદ કરું છું વાંચતા પણ તેથી ગયા હતા અને તેમને શતાબ્દી વર્ષ નિમિત્તે આ ચેનલને ખુબ શુભેચ્છા પાઠવું છું ભિખેશભાઈ ભટ્ટ આ સુંદર ચલાવી રહ્યા છે અમને ખૂબ અભિનંદન..
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
08-05-2021
“મનમૌજી ને મસ્ત ફકીર ભાઈ, પંથ અમારો સીધો,
કોઇ સાથ ના આવે તો અમે એકલ પંથને લીધો.” – (‘સાજ’)
કવિવરની અસર આવી જાય, મોટે ભાગે આપણે પૂર્વસુરીઓના જાણ્યે-અજાણ્યે ખભા પર બેસી વિચરતા હોઇએ છીએ.
પ્રફુલ્લ પંડ્યા
07-05-2021
કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરનાં૧૫૫મા જન્મદિવસની ભવ્ય ઉજવણી આ વિડીયો દ્વારા થઈ રહી હોવાનું અનુભવ્યું.મિત્તાલી ધોષ અને સાથીઓએ ” એકલો જાને રે”નું ગતિશીલ અને ભાવવાહી ગાનની નાટ્યાત્મક રજૂઆત સાથે ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધાં.સમગ્ર વિડિયોની અનેરો દ્રશ્યાત્મકતા તથા રસપ્રદ માહિતી સાથેની કૅપ્શન્સ લાઈનોએ રંગ જમાવટ કરી.ખૂબ મજા પડી.આ એક રેર વિડિયો કહી શકાય ! સ-રસ અને અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
છબીલભાઈ ત્રિવેદી
07-05-2021
આજે રવિન્દ્રનાથ ટાગોરનોજન્મ દિવસ છે તેમનુ ખુબજ જાણીતુ કાવ્ય અેકલો જાનેરે ખુબ ગમ્યું આપ ઘણી ચીવટ થી કાવ્યવિશ્ર્વ નુસંચાલન કરો છો આભાર લતાબેન
