રવીન્દ્ર પારેખ ~ સરદારને * Raveendra Parekh

*સરદારને*

ક્યાં સુધી ઊભા રહેશો
આમ એક જ જગ્યાએ?
તમે થંભી જનારો જીવ તો હતા નહીં !
તોય સ્વસ્થ ઊભા છો

ગૃહમંત્રી હતા ત્યારે 
ઊભા હતા ઘરમાં
કે ફરી વળ્યા હતા
દેશને એક ઘર બનાવવા?

ખંડ ખંડ હતો દેશ
તે અખંડ કર્યો એકતા માટે
આખા દેશ પર ધ્વજ બનીને લહેરાયા

વાણીમાં દેશી રહ્યા
પણ જરૂર પડી તો
વાણીને શસ્ત્રની જેમ ઉગામી

વસ્ત્રોને સાંધીને ચલાવ્યાં
તો દેશને બાંધીને રાખ્યો

અગ્નિને બળતણ જોઈએ
તેમ તમને લોખંડ જોઈએ
એટલે અમે પણ તમને
દેશના લોખંડમાં ભેગા કર્યા છે
લોખંડી પુરુષ ખરાને !

અત્યારે દેશનું બખ્તર બનીને
ઊભા છો ઉન્નત મસ્તકે
તો તે જ તમારી
ઊભી સમાધિ છે

ઊંચા ઊભા છો એટલે
જોઈ શકતા હશો સરહદોને
તે કૃપા કરીને સાચવશો
તમે સાચવશો
તો અમે સચવાઈશું…

~ રવીન્દ્ર પારેખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “રવીન્દ્ર પારેખ ~ સરદારને * Raveendra Parekh”

Scroll to Top