
તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું
એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમકયું
પાંખડીઓ પર !
એક ટીપું સૂકાં સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું !
સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ !
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયા વૈશ્વિક ચોકમાં
વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાતભર એટલાં ટીપાં
વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ પૃથ્વી પર !
આકાશે કહ્યું કે હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે
તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું…!
~ રવીન્દ્ર પારેખ
સ્મૃતિબુંદોની ઝળહળ

સરસ મજાની રચના ઝાકળ બિંદુ જેવી તાજગી સભર રચના આભાર લતાબેન
કવિ શ્રી રવીન્દ્ર પારેખની અછાંદસ રચના વિરહ મનને સ્પર્શી જાય છે.
ગાંધી અને ગાંધી મૂલ્યો ની શાશ્વતી હાજરી ને બિરદાવતી આ કવિતા હૃદય સ્પર્શી છે
પ્રકૃતિનાં તત્વો કવિની સંવેદનાનાં ઉદ્દીપક બન્યાં છે.
વિવિધ અર્થછાયાઓ ઉત્પન્ન કરતી સમૃદ્ધ કૃતિ. ભાવપૂર્ણ બુદ્ધિનિષ્ઠ.
‘ તું નથી ત્યારે ‘ ખૂબ સરસ કાવ્ય
ખૂબ સુંદર રચના… રૂપકોનો અદભુત પ્રયોગ….
ખૂબ જ સરસ રચના ,વાહહહ
વાહ, અભાવ અને સતત હાજરીની સરસ કવિતા..