રાકેશ સગર ‘સાગર’~અરીસો જાત સામે &પૂછ ના કેવી * Rakesh Sagar

શું વિચારો છો !!

અરીસો જાત સામે ગોઠવીને શું વિચારો છો!!
અમાસી રાત સામે ગોઠવીને શું વિચારો છો !!

મરણ જેવું મરણ ઈચ્છું છું હું મારી જ મહેનતનું,
દયા ખેરાત સામે ગોઠવીને શું વિચારો છો!!

તમે પાંપણ ઝુકાવો તો હું હમણાં હાર માની લઉં
આ ઝંઝાવાત સામે ગોઠવીને શું વિચારો છો!!

તમે દિલની વચોવચ તીર દોર્યું સારૂં તો છે, પણ,
હૃદયની ઘાત સામે ગોઠવીને  શું વિચારો છો!!

પચાવી જાણું છું હું સત્ય કડવા ઝેર જેવું પણ,
મીઠી બે વાત સામે ગોઠવીને શું વિચારો છો!!

મને તો જ્યોતિષે કીધું ‘તું જળથી દૂર રહેવાનું,
ને સાગર સાત સામે ગોઠવીને શું વિચારો છો !!

~ રાકેશ સગર સાગર વડોદરા

વિરોધી બાબતોને એક સાથે ગોઠવી કાવ્યમાં રસ અને સૌંદર્ય નીપજાવવાની કળા કવિએ સરસ રીતે હસ્તગત કરી છે. તો મરણ પણ પોતાની મહેનતનું જોઈએ એ અનોખી વાત સીધી સ્પર્શી જાય છે. છેલ્લો શેર વાંચતાં મનમાં આ શબ્દોની યાદ ફૂટે, ‘જ્યોતિષીએ કહ્યું મને જળની ઘાત….  

પૂછ ના કેવી રાત ગાળી છે

પૂછ   ના   કેવી   રાત   ગાળી છે,
મેં   દીવા   સાથે  જાત બાળી છે.

રક્તથી    સીંચે   છે    બગીચાને,
બાગમાં   એક    એવો  માળી છે.

જાતને    છેતરી    શકે   છે   ખુદ,
માનવી   સૌથી    બુધ્ધિશાળી છે.

ખુદ બળી ઊજળો રહ્યો છે દીપ,
એની  લજ્જાથી  ભીંત કાળી છે.

શહેર   ટોળે   વળી   ગયું  જોવા,
ઝાડની    લીલી   એક   ડાળી છે.

આંખનું   કામ   થાય   છે  મનથી,
મેં   તને   હર જગા   નિહાળી છે.

મોડું   પડશે    ગરીબનું   બાળક,
એક   ચડ્ડી    હતી    પલાળી છે.

માણું  છું   એક  સાથે  બે તે’વાર,
હોળી  ભીતર,  ઉપર દિવાળી છે.

આજ ‘સાગર’ સુઈ ગયો  વહેલો,
સ્વપ્નની    સાથે    રાતપાળી  છે.

~ રાકેશ સગર સાગર

શહેર ટોળે વળી ગયું જોવા, ઝાડની લીલી એક ડાળી છે.– વધતા જતાં પ્રદૂષણ અને વિનાશ પામી રહેલા વનસ્પતિજગત પ્રત્યે અસરકારક ઈશારો છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “રાકેશ સગર ‘સાગર’~અરીસો જાત સામે &પૂછ ના કેવી * Rakesh Sagar”

  1. દિનેશ ડોંગરે નાદાન

    રાકેશની ગઝલોમાં પોતીકી મુદ્રા છે એનો આ પુરાવો છે. અભિનંદન હિતેશભાઈ અને રાકેશ.

  2. Kirtichandra Shah

    મોડું પડશે ગરીબ નું બાળક ચડી એક પલાળી છે! Touching

Scroll to Top