ભાઈ! ~ રાજેન્દ્રસિંહ રાયજાદા
ભાઈ!
મારું એક કામ કરીશ?
મારે એક સંદેશો પહોંચાડવો છે.
બુદ્ધ મળે તો કહેજે
કે
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે
એક નવજાત બાળક
ગામને ઉકરડેથી!
~ રાજેન્દ્રસિંહ રાયજાદા (7.3.1943)
આ કાવ્યની કથા તો ખૂબ જાણીતી છે. પોતાના બાળકને જીવતું કરવા ગૌતમી ભગવાન બુદ્ધ પાસે જાય છે અને બુદ્ધ એને કહે છે કે ‘જે ઘરમાં એકપણ મૃત્યુ ન થયું હોય એવા ઘરમાંથી રાઈના દાણા લઈ આવ. મૃત્યુની અનિવાર્યતા સમજાવવા ભગવાન બુદ્ધ ગૌતમીને આમ કરવા કહે છે.
સમાજની કેવી કરુણતા છે કે એક બાજુ એક માતા પોતાના મૃત બાળક માટે વલખે છે અને બીજી બાજુ કોઈ પોતાના બાળકને ઉકરડે ફેંકી શકે છે. આવું કરવામાં માતાની મજબૂરી પણ હોય શકે ! પણ આ બે પરિસ્થિતી પર કવિનો વેધક કટાક્ષ છે.
આ કવિએ અર્વાચીન ગુજરાતી કવિતામાં રહસ્યવાદ પર Ph.D કર્યું છે. ‘હું, કાળી છોકરી અને સૂરજ (1981) એમનો કાવ્યસંગ્રહ છે.
કવિના જન્મદિવસે સ્મૃતિવંદના

વાહ ખુબ વેધક વાત
સમાજ મા આવુ જ ચાલે છે અેક માં બાળક ને બચાવવા ભટકે છે અેક માં બાળક ને તરછોડે છે અે પણ કદાચ સ્ત્રી ની મજબુરી હશે
થોડાક શબ્દોના લસરકાથી કવિ વેધક રીતે વાત મૂકીને કામ પાર પાડી શક્યા છે. રહસ્યવાદના અભ્યાસુ કવિએ વાસ્તવિકતાનું કેવું સરસ આલેખન કર્યું છે!!એમનાં જન્મદિવસના અભિનંદન!
આ દર્દનાક સત્યને ખૂબ સરસ રીતે આલેખ્યું છે. કવિને સ્મૃતિવંદના.