નાયિકાનું પ્રત્યાખ્યાન
ઝરમર ઝીલો ઝાકળ ચંદણ હથેળીએ,
અધવચ ઝીણી શગના ભણકારા રે; કવિ અટકાવો !
અરધો ચાંદો ચોકમાં ને અરધો મેડીએ,
આંગત-પાંગત કમળના હેલ્લારા રે; કવિ છલકાવો !
જળને અરીસો એકમેકમાં ભળતો રે,
બેડાં ને બૂઝારાં પર ચળકારા રે; કવિ પ્રગટાવો !
નખ વધતા જાય એમ છાંયો વધતો રે,
અડખેપડખે અજવાળાં અંધારાં રે; કવિ સરખાવો !
અમને અરધું પરધું રોકે કવિવર ડાળખી,
અરધું પરધું મૂળગત કઠિયારા રે; કવિ કરવત લાવો !
કવિવર ! કવિત રૂડી પેર કીધું આળખી,
શું શાં પૈસા ચાર લઈ પરબારા રે; કવિ પધરાવો !
~ રાજેશ પંડ્યા
નાયિકાનું સંભાષણ કવિ સાથે. એક એક પંક્તિદ્વય ઊંડા અર્થવિસ્તારને સાધે છે ને છેલ્લે આવતાં જબરો કટાક્ષ સરજે છે.

ખુબ સરસ રચના ખુબ ગમી