
કોઈ તારું નથી
સાવ જુઠું જગત કોઈ તારું નથી,
મૂક સઘળી મમત કોઈ તારું નથી.
કોણ કોનું? અને એય પણ ક્યાં લગી?
છે બધું મનઘડત કોઈ તારું નથી.
જે પળે જાણશે સોંસરો સળગશે,
આ બધી છે રમત કોઈ તારું નથી.
કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી,
છેક સુધી સતત, કોઈ તારું નથી.
કઈ રીતે હું મનાવું તને બોલ મન,
બોલ, લાગી શરત કોઈ તારું નથી.
કોઈ એકાદ જણ, એય બેચાર પળ,
કે અહીં હરવખત કોઈ તારું નથી.
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
‘કોઈ તારું નથી’ આ સત્ય યુગો-યુગો ઋષિમુનિઓ સમજાવ્યા કર્યું, આ સત્ય ન જાણતો હોય એવો મનુષ્ય કદાચ શોધવો પડે અને છતાંય આખરી શ્વાસ સુધી ‘તારું-મારું’માંથી ઊંચા ન આવતા મોટા ભાગના જનો…..
એક સરસ વાત હમણાં સાંભળી હતી. “આ વિશ્વમાં ભાષાનું સૌથી ખરાબ વાક્ય કયું ?”
“જ્યારે સૌ પ્રથમ કોઈ માનવીએ ડાળીથી કે ડંડાથી જમીન પર લાઇન દોરીને કહ્યું – આટલે સુધીનું મારું !”
જંપવા દેતુ નથી
જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.
કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.
નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.
ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.
વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.
પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?
~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
અજંપો એ કવિમાત્રનો સ્થાયી ભાવ હશે. કલમ ચલાવવા માટેનું એ ઉદ્દીપક હશે એમ જરૂર લાગે. સંતોષી જનને તો કશું કરવાપણું જ ન રહે ! આ ગઝલનો બીજો શેર પણ આ ભાવનું જ અનુસંધાન લાગે છે. પોતે જ પોતાને નડવાની વાત આ અજંપાનું પરિણામ ને ? છેલ્લો શેર પણ ખૂબ સભર. સવાલ એક જ છે ને ઉત્તરો અનેક. જેટલા ભેજા એટલા ભાવ ! અરે, ખુદ આપણું મન પણ કેટલા વિકલ્પો સર્જતું હોય છે !

ખુબ સરસ બન્ને રચનાઓ અભિનંદન
બન્ને રચના ખૂબ સરસ ્