વહેવાર વિશ્વનો છે
વહેવાર વિશ્વનો છે જીવનના વલણ સુધી;
છે દુશ્મની કે દોસ્તી મારા મરણ સુધી.
આવ્યા છો મારી પાસ તમે એ નવાઈ છે,
નહીંતર નદી જતી નથી નાના ઝરણ સુધી.
ભીતરના ભેદ કોઈ ઉકેલી શક્યું નહીં,
પહોંચી’તી આમ સૌની નજર આવરણ સુધી.
એના વિચારમાત્રથી ધડકન વધી ગઈ,
શું થાશે દિલનું પ્રેમના પ્રકટીકરણ સુધી.
હું ‘રાઝ’ જિંદગીને સમજવાને જાઉં છું,
કબરોની આસપાસના વાતાવરણ સુધી.
~ રાઝ નવસારવી જ.9.12.1935
મૂળ નામ સગીરઅહમદ સૈયદ
કાવ્યસંગ્રહ ‘ઊર્મિનાં શિલ્પ’
હૈયા સુધી મળું
સૌની નજર બચાવીને હૈયા સુધી મળું,
ઇચ્છા છે, તારી ઊર્મિના નકશા સુધી મળું.
એના પછી તો આવે છે શંકાની સરહદો,
તારા તરફ મને છે એ શ્રદ્ધા સુધી મળું.
સારું થયું કે આવી ચઢી વહારે કલ્પના,
સંભવ હવે એ ક્યાં તને મરતાં સુધી મળું.
દરિયાના વ્યાપની મઝા લાઘવમાં શોધીએ,
કાન સંજોગ એવા હોય તો ખોબા સુધી મળું.
સંઘર્ષ જિંદગીના મને દે છે ક્યાં નિરાંત,
મૃત્યુ બહાને ‘રાઝ’ હું મારા સુધી મળું.
~ રાઝ નવસારવી (જ.9.12.1935)
કવિના જન્મદિને વંદના

બન્ને રચનાઓ ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ
ખૂબ જ સરસ