ઉમા-મહેશ્વર (શિખરિણી)
‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,
ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીં
જુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચચૈ:શ્રવસ, ને
વળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;
લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,
અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.
બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધું
અને-’ભૂલે! ભૂલે! અમૃત, ઉદધિનું વસત શી?
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!’
રહો, જાણ્યા એ તો, જગ મહીં બધે છેતરઈને
શીખ્યા છો આવીને ઘરની ઘરૂણી એક ઠગતાં.
બીજું તો જાણે કે ઠીક જ. વિષ પીધું ક્યમ કહો?”
બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથન સમે,
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને,
અને કાળા કંઠે સુભગ ક૨ એવો ભજી રહ્યો,
મને મારા કંઠે મને થયું બસ એ રંગ ધરવા, –
મૂકી જો, આ બાહુ ઘન મહીં ન વિદ્યુત્ સમ દીસે ‘?’
તહીં વિશ્વ આખે પ્રણયઘન નિઃસીમ ઊલટ્યો;
અને એ આશ્લેષે વિષ જગતનું સાર્થક બન્યું!
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ‘ (8.4.1887 – 21.8.1955)
શેષને ઉપનામે કાવ્યો. દ્વિરેફને નામે નવલિકાઓ. સ્વૈરવિહારીને નામે હળવા હાસ્યાત્મક નિબંધો. મૂળ નામે સંશોધન, સંપાદન, વિવેચન ઇત્યાદિ. તર્કશાસ્ત્રી પાઠકની બહુમુખી પ્રતિભાનો ખ્યાલ એમના નોંધપાત્ર કાર્યથી આવ્યા વિના રહે નહીં. ‘બૃહદ પિંગળ’ એમનો મહામૂલો ગ્રંથ. આગલી પેઢીમાં એમનું ગોત્ર ‘કાન્ત’ સાથેનું અને પછીની પેઢીમાં બાલમુકુન્દ દવે સાથેનું. ‘પ્રતિભાપુરુષ પાઠકસાહેબ’ એમનો સાહિત્ય-વિશેષ.
પાંદડું પરદેશી
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !
એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !
મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !
~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
કવિને જન્મદિને સ્મૃતિવંદના
