🥀 🥀
સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
~ રાવજી પટેલ (15.11.1939 – 10.8.1968)
🥀 🥀
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં,
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં!
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે અમારી પરવાળાની પાની,
દેડકો જોઈ ગયો ઉઘાડી– તીતીઘોડે પાડી તાલી,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે કાંટા છાનામાના વાગ્યા
નબળા મેળ વગરના પાક્યા –
કાળજકૂણા કાંટા વાગ્યા..
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે)
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો,
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો,
પોપટ–પેટ કપાવી લાવો–નાજુક પાની પર બંધાવો,
કાળજકૂણા કાંટા વાગ્યા…
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ
મારી પાનીને પંપાળી – ઓય મા પાંપણથી પંપાળી
કાળજકાંટા અમને વાગ્યા…
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં
કૂવે પાણી ભરવા ઠેલ્યાં – અમને કાળજ કાંટા વાગ્યા.
~ રાવજી પટેલ (15.11.1939 – 10.8.1968)
🥀 🥀
અમે અજાણ્યા ક્યાં લગ રહેશું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો–તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં–આવતાં ઘરના માણસ ભાળું;
બોલ તારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહલહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે ?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી–શી રવરવતી –
દિન થઈ ગ્યો શૂલ…
હમણાં હડી આવશે પ્હોર –
રાતના ઘોડા ગોરી,
સાગઢોલિયે પાંખ ફૂટશે;
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ–વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે…
~ રાવજી પટેલ (15.11.1939 – 10.8.1968)
🥀 🥀
ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત–શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ–બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.
~ રાવજી પટેલ (15..11.1939 – 10.8.1968)

ખુબ સરસ રચનાઓ ખુબ ગમી વંદન